ચૂંદડી ભાગ 1/70.સૂડલા કોયલડીને વીનવે રે
70.
અને કેવી એ લગ્ન-રાત્રિ? કેવા માંડવા ને કેવાં માયરાં? કેવી કન્યા ને કેવાં પરણેતર? જાણે એ મીઠાશની વાતો તો પંખીડાંના માળામાં પણ પ્રભાતે ચાલી રહી છે : સૂડો રાણો વિસ્મય પામે છે કે એ કોયલ રાણી! આવી રમ્ય આંબાડાળ કરતાંયે વધુ રમણીય શું મળ્યું કે તમે ત્યાં રાત રોકાઈ ગયાં!
સૂડલા કોયલડીને વીનવે રે
આવી રૂડી સરોવરની પાળ
આંબા કેરી ડાળ
મૂકીને કોયલ ક્યાં ગ્યાં’તાં રે!
શીળા રે…ભાઈના માંડવા રે
તિયાં રૂડા માંડવા નખાય
રૂડાં ગીત ગવાય
જોવાને અમે ત્યાં ગ્યાં’તાં રે! — સૂડલા.
શીળાં રે…ભાઈનાં માયરાં રે
તિયાં રૂડી કન્યા પરણાય
રૂડા ફેરા ફરાય
જોવાને અમે ત્યાં ગ્યાં’તાં રે — સૂડલા.
શીળા રે…ભાઈના માંડવા રે
ઘોડીલા બાંધ્યાં છે બાર
હાથી ઝૂલે દરબાર
જોવાને અમે ત્યાં ગ્યાં’તાં રે! — સૂડલા.