ચૂંદડી ભાગ 1/75.લ્યોને રે બેની કચોળડાં (કન્યા વળાવતાં)


75

પિયરિયાં વીનવે છે કે ઓ બહેન! હવે અહીં પેટ ભરી ભરીને મનભાવતાં ભોજન જમી લો. પછી સાસરિયાંમાં તો તમારે વહુ તરીકે એઠાં-જૂઠાં ને વહેલાં–મોડાં જમવા પડશે, મિષ્ટાન્ન તો કોઈ વારપરબે જ મળશે! અને રમી-જમીને ગરીબ ઘરને સાસરે ચાલી જતી બહેન તો રડતાં રડતાં પણ સ્વજનોને આશિષો જ દે છે :

લ્યોને રે બેની કચોળડાં! જમોને વાર બે વાર રે
પછે રે જમશો રે સાસરે, જમશો ઉછીષ્ટ ભાત રે!
કૂર જમશો દિવાળડી, રોટલી આદિતવાર રે
એક જમશો રે બપોરે કે બીજલું માઝમ રાત રે!
ધેડી2 રે ચાલ્યાં સાસરે રે, રોઈ રોઈ ભરિયાં તળાવ રે
ટાબશડે મુખ લ્હોઈ રિયાં, સરોવર ધોયા છે પાય રે!
ધેડી રે ચાલ્યાં છે સાસરે, દાદો વળાવાને જાય રે
ઘણું રે જીવો રે મારા દાદાજી, માતા સુવાસણી હોય રે!
ધેડી રે ચાલ્યાં સાસરે, વીરો વળાવાને જાય રે
ઘણું રે જીવો રે મારા વીરાજી, ભાભી સુવાસણ હોય રે!