ચૂંદડી ભાગ 1/78.ઢોલીડા ધડૂક્યા, લાડી (કન્યા વળાવતાં)


78

સહુએ બહેનને સાસરિયાં સ્વજનો પ્રતિનું કર્તવ્ય પ્રબોધ્યું. રડતી પુત્રી : અને વેલની પાછળ દોડતી માતા : પતિ જાણે હરણ કરી જતો હોય એવા ઉલ્લાસથી કઠોર બને છે : અથવા તો વેદનાનો વહેલો અંત લાવવા માગે છે. કન્યા વીનવે છે કે થોડી વાર વેલ્ય થંભાવો, મારા પિતાને ફરી એક વાર મળી લઉં. ભાઈની રજા માગી લઉં : ના! ના!

ઢોલીડા ધડૂક્યા, લાડી, ચાલો આપણે ઘેર રે!
ઊભા રો’ તો માગું મારા દાદાજીની શીખ રે!
હવે કેવી શીખ રે, લાડી, હવે કેવા બોલ રે!
પરણ્યાં એટલે પ્યારાં લાડી, ચાલો આપણે ઘેર રે!
ઊભા રો’ તો માગું મારા વીરાજીની શીખ રે!
[પ્રત્યેક સ્વજનનું નામ લઈ એ-ની એ જ પંક્તિઓ ગવાય છે.]