ચૂંદડી ભાગ 1/95.શ્રી પરભાતને પો’ર (પ્રભાતિયું)


95

વિનોદના પ્રસંગો આવી આવીને જતા રહ્યા અને આખરે જાણે કે એક દિવસ કોઈ અપરાધનો અવસર ઊભો થયો; પ્રભાતે સાસુજીએ દાતણ માગ્યું, પણ મોહની કાગાનીંદરમાં ઘેરાયેલી આંખોવાળી અન્યમનસ્ક વહુએ ધ્યાન ન આપ્યું. બે વાર માગ્યું તો યે વહુ બેદરકાર રહી અને ચકોર સ્વામીએ ‘મને મારગડો દેખાડો રાજ!’ એ સૂચના અનુસાર આ કર્તવ્યભૂલી મોહવશ રાજવણને સાચી દિશા દેખાડવા સજા સંભળાવી :

શ્રી પરભાતને પોર
દેવકીજીએ* દાતણ માગિયાં.

માંગ્યાં માંગ્યાં વાર બે વાર
રૂખમણીએ* શબ્દ ન સાંભળ્યો*

હરિના હાથમાં શાન પચાસ
મેડીએથી શ્રીકૃષ્ણ* ઊતર્યા,

ેમારા નાનેરા બળભદ્ર* વીર!
ગંગાને કાંઠે ઘર કરો.

ત્યાં કાંઈ રાખોને રૂખમણી નાર
માતા વચન કેમ લોપિયું?

સ્વામી! શો રે અમારલો વાંક
શે રે માટે અમને દૂર કરો!

ગોરી! તમે મારા હૈડાનો હાર
માતા વચન કેમ લોપિયું?

સ્વામી! શિયાળાના માસ
મશરૂનાં ગોદડાં મોકલાવજો!

સ્વામી! ઉનાળાના માસ
ફૂલના તે વીંઝણા મોકલાવજો!

સ્વામી! ચોમાસાના માસ
ચૂનાબંધ હવેલી ચણાવજો!

રાખીશ રાખીશ માસ છ માસ
છઠે તે માસે તેડાં મોકલું!

તું મને વહાલી છે, પણ તેં માતાનું વેણ ઉલ્લંઘ્યું તેનું પ્રાયશ્ચિત હું બતાવું છું. છ મહિને તો હું તને તેડાવી લઈશ. તું મૂંઝાતી નહિ. આપણ બંને સહદુઃખભાગી બનીને આ સજા સહી લેશું.