ચૂંદડી ભાગ 2/2.હરિનાં મીઠડાં


2.હરિનાં મીઠડાં

આ ગીત બ્રહ્માનંદનું રચેલું છે. ચારણો એને લગ્નગીત ગણી લલકારે છે. એમાં સંવનનના સૂર છે : સરોવર તીરે પરસ્પર દર્શન થયું : કન્યાએ દોટ દીધી : લજ્જા તજીને કંથનાં વારણાં લીધાં. ‘ચૂંદડી’ (ભાગ 1)ના ‘દૂધે ભરી તળાવડી’ અને ‘લાંબી લાંબી સરવરિયાની પાળ’ના ભાવવાળું ગીત છે :

ગઈ’તી ગઈ’તી ભરવાને નીર
કેસરિયે વાઘે7 રે નટવર દીઠડા જી માણારાજ!

બેડું મેલ્યું સરવરિયાની પાળ
ઈંઢોણી વળગાડી આંબા કેરી ડાળખી જી માણારાજ!

દડવડી8 દીધી મેં તો દોટ
લાજડલી9 લોપીને લીધાં હરિનાં મીઠડાં જી માણારાજ!

શોભે શોભે બ્રહ્માનંદનો લાલ
છોગલિયાં10 બિરાજે પંચરંગી પાઘમાં જી માણારાજ!