ચૂંદડી ભાગ 2/20.વેલીનો રખેવાળ


20.

[હે વીર વરરાજા! દારૂ પીને છાકટા ન બનજો. પણ અમીમય, ધીર, ગંભીર ને મસ્ત રહો તેટલા પ્રમાણમાં જ પીજો. વાડે વળગેલી વેલડીરૂપી પર-કન્યાને તમે આપણે આંગણે રોપીને જતનથી ઉઝેરજો! યૌવનરૂપ વસંત ઋતુમાં જ્યારે એને સૌંદર્યનાં ફૂલડાં ખીલે ત્યારે એની સુવાસ લેજો!]

વીરા! તમે દારૂડો2 પીઓ તો અમિયલ3 રે’જો, માણારાજ!

અમર રે’જો, શીખું દેજો
વેલ્યું લાવજો રાજ!

વીરા! તમે સોનાની શરણાયે જોધપુર ડેરા દેજો, રાજ!

4ડેરા દેજો લેર્યું લેજો
માયા રાખજો, રાજ!

વીરા! તમે વાડ્યે વળગેલી વેલી આંગણે રોપો, માણારાજ!
આંગણ રોપો ને રખોપો
રાખો એનો, રાજ!

વીરા મારા! વસંતે વેલડીનાં ફૂલડાં ફૂલે, માણારાજ!

ફૂલડાં ફૂલે ભમર ભૂલે
કાચી કળીએ, રાજ!

વીરા! તમે ફૂલેલાં ફૂલડાંની સોરમ લેજો, માણારાજ!