ચૂંદડી ભાગ 2/21.કરની વસૂલાત
21
[કન્યાના ગામમાં જતાં વરને અનેક ગ્રામરક્ષકોના કર ચૂકવવા પડતા હતા, પછી જ પરણી શકાતું. એ સમાજરક્ષકો કયા? ગોવાળ, પનિયારી, સૈયરો, મહાજન વગેરે.]
રાયાંનો વર સીમડીએ આવ્યા;
ગોવાળીડા માગે રીતડી રે, ઝીણા મારુજી!
ગોવાળીડાની રીત ચૂકવજો રે, ઝીણા મારુજી!
મોટાને માંડવ મા’લજો રે, ઝીણા મારુજી!
લાખેણી લાડી લાવજો રે, ઝીણા મારુજી!
રાયાંનો વર સરોવરિયે આવ્યા;
પાણિયારી માગે રીતડી રે, ઝીણા મારુજી!
રાયાંનો વર શેરીએ આવ્યા;
સૈયરું માગે રીતડી રે, ઝીણા મારુજી!
રાયાંનો વર તોરણે આવ્યા;
સાસુજી માગે રીતડી રે, ઝીણા મારુજી!
રાયાંનો વર માયરે આવ્યા;
કન્યાજી માગે રીતડી રે, ઝીણા મારુજી!
રાયાંનો વર ચૉરીએ આવ્યા;
સાળોજી માગે રીતડી રે, ઝીણા મારુજી!