ચૂંદડી ભાગ 2/37.મરડ ઘણો
37.
[વિનોદ-ગીત છે. હે વર! તું તો બહુ થોડે ખરચે પરણી ગયો. તું ગરીબ છે, છતાં આટલો ઠઠારો શાનો?]
તારે ઠાલો ને ઠઠારો તારે મરડ ઘણો!
તારે મરડ ઘણો ને તારે ઠરડ ઘણો!
મારી …બાઈના વર! તારે મરડ ઘણો!
તારે મરડ ઘણો રે તારે ઠરડ ઘણો!
તું તો પાશેરામાં પરણ્યો, તારે મરડ ઘણો!
તું તો અધશેરામાં ઊઘલ્યો, તારે મરડ ઘણો!
તું તો માગેલા માણસે આવ્યો, તારે મરડ ઘણો!
તું તો માગેલ ઘોડે આવ્યો, તારે મરડ ઘણો!
તારે મરડ ઘણો રે તારે ઠરડ ઘણો!
મારી મોંઘીબાઈના વર! તારે મરડ ઘણો!