ચૂંદડી ભાગ 2/4.જોવા દેજો!
4.જોવા દેજો!
કન્યા પોતે જાણે કે વરરાજાનાં રૂપ જોઈ લેવા માગે છે. એ માગે છે કે ‘મને જોવા દો, નીરખવા દો.’ એના મસ્તક પર કલગી છે, મોતીડાં છે, મેવાડી પાઘ છે, ઉપર ફૂલોનો તૉરો ફરકે છે, વગેરે.
જોવા તે દેજો મુને નરખણ8 દેજો, રાજ!
કલંગી9વાળો કાન એ વર જોવા દેજો, રાજ.
મોતીડાંવાળો માવ10 એ વર જોવા દેજો, રાજ.
માથે મેવાડાહંદા11 મોળિયાંવાળો12 વર,
ફરહર લટકે ફૂલ એ વર જોવા દેજો, રાજ! — જોવા.
બાંય બાજુ રે બંધ બેરખાવાળો વર,
દસ આંગળીએ વેઢ એ વર જોવા દેજો, રાજ! — જોવા.
પગમાં રાઠોડીહંદી મોજડીવાળો વર,
ચાલે ચટકતી ચાલ્ય એ વર જોવા દેજો, રાજ! — જોવા.