ચૂંદડી ભાગ 2/45.ઝમરખ દીવડો
45.
[દીવડો ઝમરખ કહેવાય છે. તેની પાછળ આવો ભાવ છે : દેવોએ ભેટ દીધેલાં હથિયારોને ગાળીને ઘડેલો એ દીવડો છે. આ લુહારોનું લાક્ષણિક ગીત છે.]
મારે આંગણ આવ્યા ફરશુરામજી
હા રે આવ્યા શંકર ને રણછોડ
મેં તો પ્રેમથી પૂજા કરી.
ફરશુરામે ફરશી આપી હેતથી
મા’દેવે તો આપ્યું ત્રિશૂળ
રણછોડરાયે ચક્કર આપિયું.
ત્રણેને ગાળીને કરી ઢાળકી
તેને પાટી ઘડે રે લુવાર
એ પાટીનો ઝમરખ દીવડો.
દીવડીએ કાંઈ માંડ્યા છે ગણેશ
મેં તો કોડે પગરણ આદર્યાં.