ચૂંદડી ભાગ 2/46.બાજોઠ


46

[બાજોઠની મંગલતા પણ એ જ જાતની કલ્પાઈ છે. આંબો વવાયો. એને કૃષ્ણે, બળભદ્રે ને રુક્ષ્મણીએ ઉઝેર્યો : એમાંથી રામ, લક્ષ્મણ અને સીતાએ બાજોઠ સરજ્યો.]

મારે આંગણ નવરંગ આંબો મોરિયો
એ આંબલિયો કોણે રોપ્યો; કોણે પાયો?
કઈ રે રાણીજી રયાં રખોપલે!
એ આંબલિયો કોને રોપ્યો, બળનો પાયો,
રાણી રૂખમાઈ રયાં રખોપલે!
આંબલિયાની આડીઅવળી ડાળખી
ડાળ્યે બેઠા ટૌકે ઝીણા મોર
મેં તો તેનો રે ઘડાયો બાઈ બજોઠિયો.
એ બાજોઠિયો કોણે ઘડિયો, કોણે જડિયો?
કઈ રે ચિતરાળીએ બાજોઠ ચીતર્યો?
એ બાજોઠિયો રામે ઘડિયો, લખમણે જડિયો,
સીતા ચિતરાળીએ બાજોઠ ચીતર્યો.
બાજોઠ કાંઈ માંડ્યા છે ગણેશ
મેં તો કોડે પગરણ આદર્યાં.