ચૂંદડી ભાગ 2/50.મોસાળું


50

[વરની અથવા કન્યાની માતા પોતાના ભાઈને કહેવરાવે છે કે ‘મારા પ્રત્યેક સગાને ભેટ આપવાની આટલી ચીજો લઈને જ આવજે! નહિ તો ભલો થઈ આવીશ મા! કેમ કે મારા પર મેણાં વરસશે.’ વરના મામા એ તમામ વિગતવારનું મોસાળું લઈને હાજર રહ્યા હતા. આ રીતે સ્ત્રીને પિયર-પક્ષ હંમેશાં દબાણમાં જ રહેતો.]

કોડે ને પગરણ આદર્યાં, હરખેસું માંડ્યા જાગ,
ઘરનો નાહોલિયો વીનવે, સાંભળો ગોરી, વાત!
મારું તે સઘળું કટંબ આવિયું, હવે તારાંને તેડાવ!
મારા બાંધવ ગ્યા છે માળવે, ભતરીજ નાનાં બાળ.
હાથે કાગળ રે મુખ વાંચિયા, શું જોશે મોસાળનો કાજ.
સસરાને લાવે વીરા! પાઘડી, સાસુને સાડલાની જોડ.
જેઠને લાવે વીરા! મોળિયાં, જેઠાણીને છાયલ ચીર.
દેરને લાવે વીરા! પાંભડી, દેરાણીને દખણીનાં ચીર.
નણંદીને લાવે વીરા! ચૂંદડી, નણદોઈને ભેરવ ઝૂલ્ય.
ધેડીને લાવે વીરા! ઢીંગલી, કુંવરિયાંને રાતી મોળ્ય.
મારે ને લાવે વીરા! ઘરચોળડાં, બતરીશ ભમરીનો મોડ.
ઘરના સ્વામીને ઘોડો હંસલો, મોતીડે જડિયો પલાણ.
કટંબને લાવે વીરા! કાપડાં, પાડોશીને નાળિયેરની જોડ.
એટલી ને સંપત હોય તો આવજો! નહિ તો રે’જો તમારે ઘેર.
કિંયાં ગાજ્યો કિંયાં ગડગડ્યો, કિંયાં ઊતર્યો અષાઢીલો મેઘ!
આવ્યા મારે…ભાઈના મામલા, અવસરે રાખ્યો રંગ.