ચૂંદડી ભાગ 2/51.વીરને તેડાવીએ
51.
[હે પતિ! ચાહે તેટલી જહેમત ઉઠાવીને પણ મારા વીરને તેડાવો.]
સ્વામી મારા! ચોખા મંગાવો ને કંકુડે પીળાવો,
નાત્યુંને નોતરાં અપાવીએ!
નાત્યુંનાં નોતરાં, કટંબને કંકોતરી
મોસાળિયા વીરને તેડાવીએ!
સ્વામી મારા! સસરોજી આવ્યા સાસુજી રે આવ્યાં
મારા મૈયરનું કોઈ ના’વિયું.
ગોરી મોરી! તારા મૈયર આડા ડુંગર ઘણેરા
તેની રે મસે કોઈ ના’વિયું.
સ્વામી મારા! ડુંગર કોરાવીને રસ્તા બંધાવો
મામેરિયા વીરને તેડાવીએ.
ગોરી મોરી! તારા મૈયર આડા વેરી ઘણેરા
તેની રે મસે કોઈ ના’વિયું.
સ્વામી મોરા! જેઠજી આવ્યા ને જેઠાણી આવ્યાં
મારા મૈયરનું કોઈ ના’વિયું.
ગોરી મોરી! તારા મૈયર આડા સમદર ઘણેરા
તેની મસે કોઈ ના’વિયું.
સ્વામી મોરા! સમદર સોસાવીને સડકું બંધાવો
મામેરિયા વીરને તેડાવીએ.