ચૂંદડી ભાગ 2/52.વરરાજાની વાટ


52

[કન્યાની ઉત્સુકતાભરી વાટ જુએ છે.]

નાની બેન દાદાજીને વીનવે રે
મંડપ ઊંચેરા નાખો!
ઊંચી ચડું ને નીચી ઊતરું રે
જોવું વરરાજા વાટ.
જેઠે ઘોડે ને સસરા હાથીએ
દેર તેજી-પલાણ;
વરરાજા બેઠા પાલખી રે
આગળ ચામર ઢોળાય.
કોઈ કે’ જૂનાગઢ ઊમટ્યો રે
કોઈ કે’ હલક્યો હાલાર!
કોઈ કે’ ચાંદો ને સૂરજ રવ ચડ્યા રે
કોઈ કે’ ચંદ્રમાનાં તેજ.
નથી રે જૂનોગઢ ઊમટ્યો રે
નથી હલક્યો હાલાર.
કુંવરી પરણે …ભાઈ તણી રે
એની આવે છે જાન.