ચૂંદડી ભાગ 2/57.ચંપો ઘેર ગંભીર


57.

મારા ચોક વચ્ચે રે ચંપો રોપિયો,
ચંપો થિયો છે રે કાંઈ ગંભીર
વધાવો જી રે મારે આવિયો.

હું તો વળી રે દાદાજીના દેશમાં,
એના દેશમાં રે ઝાઝાં આંબાનાં ઝાડ. — વધાવો.

એક આંબો પાકે ને કેરી નીપજે,
રસ જમશે રે મારો માડીજાયો વીર. — વધાવો.

મારા ચોક વચે રે ચંપો રોપિયો,
ચંપો થિયો છે રે કાંઈ ઘેર ગંભીર. — વધાવો.

હું તો વળી રે સસરાજીના દેશમાં,
એમના દેશમાં રે ઝાઝાં ડાંગરનાં ઝાડ. — વધાવો.

એક ડાંગર પાકે ને ચોખા નીપજે,
એ તો જમશે રે મારી નણદીનો વીર. — વધાવો.

તે પછી ગીત ફટાણું બની જાય છે :

હું તો વળી રે વેવાઈના દેશમાં :
એમના દેશમાં રે ઝાઝાં મવડાનાં ઝાડ. — વધાવો.

એક મવડું પાકે ને દારૂ નીપજે.
એ તો પીશે રે.. વેવાઈ તરજાત. — વધાવો.