ચૂંદડી ભાગ 2/60.વેલ્યે વળુંભ્યો કેવડો


60.

[આવું રસગીત કણબીઓમાં પણ ગવાય છે. ફૂલ-વેલની સાથે જેમ કેવડો જડાઈ ગયો હોય તેવી રીતે ગાઢ સ્નેહગાંઠથી વર–કન્યા પરસ્પર જડાઈ ગયાં હોવાનું સૂચન કરે છે.]

વાડીમાં રોપાવો રૂડો કેવડો!
આંગણે રોપાવો નાગરવેલ્ય
વેલ્યે વળુંભ્યો રૂડો કેવડો!

ફૂલ વિના ફોરે રૂડો કેવડો;
ફળ વિના ફાલી નાગરવેલ્ય.          — વેલ્યે.

કિયા ભાઈનો મોભી રૂડો કેવડો!
કિયા વેવાઈની નમણી નાગરવેલ્ય.          — વેલ્યે.

…ભાઈનો મોભી રૂડો કેવડો;
…વેવાઈની નમણી નાગરવેલ્ય.          — વેલ્યે.

મારવાડી લગ્નગીતો

રાજપૂતાનાના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં ગવાતાં ગીતો, તેનાં શૈલી ને ભાષા જુદાં જુદાં હોય છે. ખુદ મારવાડની અંદર પણ જુદાં જુદાં ગીતો પ્રચલિત છે. આંહીં ઉતારેલાં છે તે બધાં પાલનપુરની પેલી મેર નજીકના મારવાડી પ્રદેશનાં મૂળ વતની અને અત્યારે બે પેઢીથી ભાવનગર ગામનાં નિવાસી કુંભાર કુટુંબોની બહેનો પાસેથી પ્રાપ્ત થયેલાં છે. આ કુટુંબોને લગ્નવ્યવહાર હજુ સુધી નિજ વતનની સાથે જ ચાલુ હોવાથી આ ગીતો ત્યાંનાં જ છે : છતાં લાંબા વસવાટને લીધે આંહીંના વાણીપ્રયોગોનો પાસ એમાં બેસી ગયો હોવાનું સંભવિત છે. આ મારવાડી કુંભારણ બહેનો એમનાં લગ્નગીતો, ઋતુગીતો, ગરબા વગેરે ઘણી મીઠી હલકે મસ્ત બનીને રાત્રિએ રાત્રિએ ગાય છે. ઘણાં ઘણાં ગીતોમાં સોરઠી ભાવોની આછી–ઘાટી છાયા તરવરે છે. સોરઠમાંની સંખ્યાબંધ જાતિઓ મૂળે મારવાડ તરફથી આવેલી હોઈ આ સંસ્કારોનું સામ્ય સમજવું સહેલું છે.