ચૂંદડી ભાગ 2/69.મારા દેશમાં


69

[હે કન્યા! મારા દેશમાં લઈ જઈને હું તને સારી પેઠે સોનાનાં આભૂષણો પહેરાવી પીળી હળદર જેવી, રૂપાના અલંકારો સજાવી ધોળી સફેદ અને કંકુના શણગાર કરાવી લાલચોળ બનાવી દઈશ!]

ડુંગર ઉપર ડેરડી રે વની!
જણ3 ઉપર દાડમ ધ્રાખ,
થારા દાદાને કહી દેજે રે વની!
લઈ હાલું મારડે દેશ.

બાળક વની! લઈ હાલું મારડે દેશ,
મારા તે દેશમાં રૂપું ઘણું રે વની!
કર દેશાં4 ધોળી સફેદ!
બાળક વની! કર દેશાં ધોળી સફેદ!
ડુંગર ઉપર દેરડી રે વની!
જણ ઉપર દાડમ ધ્રાખ;
થારા વીરાને કહી દેજે રે વની!
લઈ હાલું રે મારડે દેશ.

મારે તે દેશમાં સોનું ઘણું રે વની!
કર દેશાં પીળી હળદ! — ડુંગર.
થારા મામાને કહી દેજે રે વની!
લઈ હાલું રે મારડે દેશ.
મારા તે દેશમાં કંકુ ઘણું રે વની!
કર દેશાં લાલ લપેટ! — ડુંગર.