ચૂંદડી ભાગ 2/8.મનડાં મોહ્યાં


8

[આંહીં પણ વર-કન્યાનો કોમળ પ્રીતિભાવ જાગ્રત કરવા માટે કુંજલડી, પોપટ, કોયલ વગેરેનાં રૂપકો લગાડાયાં છે. બધાં પક્ષીઓનાં તેમજ વરવહુનાં ખાસ લાક્ષણિક સુંદર તત્ત્વોનું સ્મરણ દેવાયું છે.]

લાંબી ડોકે કુંજડ રાણી!
અને તારાં મધદરિયે મનડાં મોહ્યાં રે કુંજડ રાણી

લીલી પાંખે પોપટ રાણા!
અને તારાં પાંજરડે મનડાં મોહ્યાં રે પોપટ રાણા!

કાળી પાંખે કોયલ રાણી!
અને તારાં આંબલીએ મનડાં મોહ્યાં રે કોયલ રાણી!

રાતે ચૂડે મોંઘી વહુ રાણી!
અને તારાં…ગામ મનડાં મોહ્યાં રે મોંઘી વહુ રાણી!

રાતે રેટે…ભાઈ રાણા!
અને મારાં લાકડીએ મનડાં મોહ્યાં રે કેસરિયા રાણા!