ચૂંદડી ભાગ 2/80.વરને સાસુ તે અર્ઘવા નીસર્યાં


80

[વર તોરણે આવે છે ત્યારે કન્યાની માતા ઉંબરની અંદર ઊભાં રહી જમાઈના માથા પરથી શ્રીફળ, સોપારી, ખારેક વગેરે વસ્તુઓ ઓવારે છે, તે વખતનું ગીત]

વરને સાસુ તે અર્ઘવા2 નીસર્યાં,
મસ્તકે તે બાંધ્યા મોડ રે.

વર આવ્યો તે જરબાઈ3 તારો,
માંગે ઉતારા ને ઠાર રે.

ઉતારા આપો બાગના,
મન હસે તે વરના બાપનાં.

ઉતારા આપો વાડીના,
મન હસે તે વરનાં માડીનાં.

ઉતારા આપો મહેલના,
મન હસે તે વરની બહેનનાં.

ઉતારા આપો આંબાના,
મન હસે તે વરના મામાનાં.
આપો આપો તે નગર ગામ રે,
આપો તે બહોળાં રાન રે.

આપો તે આંબા આંબળી
આપો આપો ચૌરાશી ચૌતરાં.2

નહિ લેવું3 તે નગર ગામ રે!
નહિ લેવું તે બહોળાં રાન રે!

નહિ લેવું તે આંબા આમળી!
નહિ લેવું ચોર્યાશી ચૌતરાં!

બેટી લેવું રૂસ્તમજીઆ બાપની,
મારાં જીવિયાં પરમાણ રે.

બહેની લેવું જહાંગીરજીઆ બાપની
મારાં પરણિયાં પરમાણ રે.

બેટી લેવું રૂસ્તમજીઆ બાપની
મારાં જીવિયાં પરમાણ રે.

એ ઘેર તે ચોરી4 સરાવીએ
એ ઘેર તે એરવદ5 બોલાવીએ.

હાથોમેં હાથ મિલાવીએ6
ચાવલની ઉરે છાંટ રે.7

મારી પાવોલે ચોરી નવરંગી
ત્યાં તો રમે છે ઢેલ્ય ને મોર રે,

ઢોલી વગાડે છે ઢોલ રે
સરનાઈના શબદ સોહામણા.

ગાયન8નાં ગળાં મોકળાં
ગાયે લગનનાં ગીત રે.