ચૂંદડી ભાગ 2/81.જી રે! કુમારી કન્યાએ લખી મોકલ્યાં
81
જી રે! કુમારી કન્યાએ લખી મોકલ્યાં;
લખશેરી વર વહેલો ચાલ! છતરવીને લાડ કરો.
જી રે! હું કેમ આવું રે લાડી એકલો,
મને બાવા વીનવતાં લાગે વારો રે, છતરવીને લાડ કરે.
તારા બાપુજીને બંધાવીશ પાઘડી
તારી માડીને પોપટીઆરો ચીર રે, છતરવીને લાડ કરે.
જી રે! લાખેણી લાડીએ લખ્યાં મોકલ્યાં.
વહેવારિયા વર, વહેલો ચાલ! છતરવીને લાડ કરે.
જી રે! હું કેમ આવું રે લાડી એકલો,
મને કાકા વીનવતાં લાગે વારો રે, છતરવીને લાડ કરે.
તારા કાકાને પહેરાવીશ પામરી,
તારી કાકીને પટોળાંની જોડ રે, છતરવીને લાડ કરે.