ચૈતર ચમકે ચાંદની/આકાશચર્યા

આકાશચર્યા

બારી બહાર જોઉં છું. આકાશમાં વાદળોના શ્વેત ડુંગરા મૃદુ – મંદ ગતિથી તરી રહ્યા છે. હજી તો જેઠ મહિનો છે. ચારે તરફથી ભારે વરસાદના સમાચાર છે. અહીં પણ વરસાદ તો પડી ગયો છે અને હજી વરસાદી હવામાન છે. તોપણ દેશનાં કેટલાંક નગરોમાં બળબળતો ઉનાળોય છે. રાજસ્થાનનાં કેટલાંક સ્થળો ૪૮ અંશ સેલ્સિયસ ઉષ્ણતામાને પહોંચી રહ્યાં છે. ત્યાં ઇશાન ભારતમાં અસમની નદીઓ પૂરથી ઉન્મત્ત છે.

આકાશનો સ્વભાવ બદલાતો રહે છે. વાદળો પાછળના તેના ભૂરા અસ્તિત્વની એ ઝાંકી પણ કરાવી જાય છે. થોડા દિવસો અગાઉ આ જ આકાશ એકદમ નીલ હતું, તે આ ઝાંકીથી યાદ આવે.

એવું નીલ આકાશ કે રાત્રિ વેળાએ ગ્રહ-તારા-નક્ષત્રોથી શોભી રહે. નગરજીવનની વ્યસ્તતા અને ખાસ તો ઘરનિવાસની વ્યવસ્થા આજે હવે એવી છે કે ઉપર આકાશ છે કે નહિ, તે પણ ચોવીસ કલાકમાં યાદ ન આવે. ફ્રેંચ નવલકથાકાર આલ્બેર કામુએ કહ્યું છે કે અમીર લોકો માટે આકાશ એક ફાલતુ ચીજ છે, કુદરતની એક રચના. પરંતુ ગરીબ લોકો આકાશને એવી રીતે જુએ છે કે જાણે તે ખરેખર છે, એક અનંત અસીમ કૃપાનો વિસ્તાર.

અમીર-ગરીબની વાત તો ઠીક, પણ ખરેખર આકાશ છે એ રીતે આકાશને જોનાર એક અમીરાતનો અનુભવ જરૂર કરતા હશે. ધરતી પર રહેતા માણસે ઉપર આકાશ અને નીચે પાતાળની વાત પુરાણકાળથી કરી છે. પાતાળ તો જાણે સાતમે કોઠે. અતલ, વિતલ, સુતલ, રસાતલ, તલાતલ, મહાતલ અને પછી પાતાલ. આ સાત અધોલોકની કલ્પના કરીને પુરાણ અટક્યાં નહિ, ત્યાં નાગલોકોનો નિવાસ બનાવ્યો.

અને આકાશ? ઉપર આકાશમાં સ્વર્ગલોક છે, એવી વાત પણ દુનિયાનાં સૌ પુરાણો કહે છે. આકાશમાં ઈશ્વર છે એવી કલ્પના પણ છે. એટલે તો કોઈ આકાશ તરફ આંગળી ચીંધે, તો એ ઈશ્વર તરફ આંગળી ચીંધવાનો સંકેત મનાય છે. આકાશનો એક અર્થ બ્રહ્મ પણ છે, જે ઈશ્વરનો પર્યાય છે.

માથે જેમ ચંદરવો હોય, એમ આકાશ આખી ધરતીનો ભૂરો ચંદરવો છે. એ નાનપણમાં અનુભવેલી વાત હતી. સૂર્ય-ચંદ્ર અને તારા એ ચંદરવામાં જડાયેલા છે અથવા ચંદરવાને આધારે છે એ પણ અનુભવેલી વાત હતી. આકાશ મારા ઘરના છાપરા જેટલી સઘન પ્રતીતિકર ચીજ હતી. રાત્રે આકાશના ચંદરવા નીચે જ સૂઈ જતા, એ ચંદરવામાં ટાંકેલા તારાની ભાત જોતા જોતા.

એ દિવસ બહુ ઉદાસ ગયો જ્યારે પાડોશમાં રહેતી મારાથી ત્રણ ચોપડી આગળ ભણતી કંચને કહ્યું કે તને ખબર છે કે આકાશ જેવું કંઈ નથી. પહેલાં તો એનું કહેવું હું કંઈ સમજ્યો નહિ, પછી એણે કહ્યું કે આજે ભૂગોળ ભણાવતાં ભણાવતાં અમારા સાહેબે કહ્યું કે આકાશ એટલે કશું નથી, ખાલી જગ્યા જ છે, પોલાણ છે. એટલે ગમે તેટલે ઉપર જઈએ પણ આકાશને અડી શકાય નહિ.

હું કંચનની ઘણી વાતો માનતો, પણ આ વાત માનવાની તૈયારી નહોતી. કંચને કહેલી વાત છે અને એ પણ સાહેબે કહેલી વાત કહે છે, તો ખોટી કેવી રીતે હોઈ શકે? આકાશ છે જ નહિ તો પછી ચાંદો, સૂરજ, તારા કેવી રીતે ટક્યા છે?

આકાશ હોવાની જે સઘન પ્રતીતિ હતી, તેમાં સંશય પેદા થયો. પૃથ્વીના ગોળ હોવાની વાત, પૃથ્વીના સૂરજની આજુબાજુ ફરવાની વાત જેવી આ બધી વાતો ધીમે ધીમે સમજાતી ગઈ. પણ આકાશ જેવી કોઈ ચીજ નથી એ જાણી થયેલો આઘાત જાણે ગયો નથી..

પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ આ પંચ મહાભૂતોમાં એક તત્ત્વ આકાશ છે. અહીં ક્રમમાં ભલે છેલ્લું લખાયું હોય પણ પંચમહાભૂતોમાં એ પ્રથમ ગણાય છે. શબ્દગુણરૂપ. આપણો દેહ પણ આ પંચમહાભૂતોમાંથી બનેલો છે અને એટલે કોઈનું મૃત્યુ થાય ત્યારે પંચત્વમ્ ગતઃ – પાંચ તત્ત્વોમાં ભળી ગયો એમ કહેવાય છે. ખરેખર પાંચ મહાભૂતોમાં આકાશ તત્ત્વ પહેલું હોય કે ન હોય, પણ એ અદ્ભુત એ રીતે છે કે ‘ન હોવામાં’ એનું હોવું છે. આકાશ એટલે એ રીતે શૂન્ય, ખાલી. એટલે કોઈ ‘આકાશકુસુમ’ કહે એનો અર્થ એવું ફૂલ જે અસ્તિત્વ ધરાવતું નથી. એવો શબ્દ છે ‘આકાશગંગા’, પરંતુ એ છેક કાલ્પનિક નામ નથી, આકાશગંગા તો છે.

ગામના આકાશમાં વરસની કેટલીય રાતોએ ધોળા દૂધ જેવો પટો દેખાય. દૂધગંગા પણ કહેવાય એ આકાશગંગા. એમાં આપણા સૂર્યમંડળ જેવાં અગણિત તારામંડળો છે, અને એને લીધે તે આકાશમાં વહેતી નદીનો ભાસ કરાવે છે.

નગરમાં વસ્યા પછી પણ ચૈત્ર-વૈશાખની રાત્રિઓમાં મકાનની છત પર ખુલ્લા આકાશ નીચે સૂવાની ટેવ ગઈ નથી. ચૈત્રની નવરાત્રિ પછી વરસાદ પડવાની શરૂ થાય ત્યાં સુધી રોજ આકાશ સાથે દોસ્તી. આકાશને જોતાં જોતાં આંખોમાં નિદ્રા આવે, અને સવારે જ્યારે નિદ્રા ખૂલે ત્યારેય ઉપર આકાશ હેત વરસાવતું હોય.

પરંતુ આકાશ જેવું તો કશું છે જ નહિ – તો પછી? મને તો એવું લાગે છે કે જેમ ધરતી છે, તેમ આકાશ છે. માણસ ઇચ્છે છે તો ધરતી પર રહેવા, પણ એની નજર આકાશગામી રહે છે. આકાશમાં જો સ્વર્ગ હોય તો સ્વાભાવિક છે કે માણસની વૃત્તિ ગગનગામી બની રહે.
નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો.

તે જ તે જ હું શબ્દ બોલે…

નરસિંહ મહેતાની પ્રસિદ્ધ પંક્તિ યાદ આવી ગઈ. ગગન એટલે શૂન્ય નથી, શૂન્ય છે તો ‘સભર’ શૂન્ય છે એવી વિરોધાભાસી વાત કરવી પડે.

હું કોઈ આકાશપુરાણ રચવા તો નથી લાગ્યો? મારે તો એ આકાશની વાત કરવી છે, જેનો મને રોજનો, સઘન સ્પર્શ જેવો અનુભવ છે. એટલે ઘરમાં હોઈએ તો ખુલ્લી બારીએ બેસવાનું. બાલ્કનીમાં બેસવાનું બહુ ગમે. આપણે અને આકાશ. આ આકાશનાં અનંત રૂપો છે. આપણી નજર સામે વિવિધ રૂપ ધરી પ્રકટ થાય છે. સવારનું આકાશ, બપોરનું આકાશ, સંધ્યાનું આકાશ, રાત્રિનું આકાશ અને ચોમાસાનું પ્રચ્છન્ન રહેતું આકાશ. રોજેરોજ જોવા છતાં આકાશ આત્મીય મિત્રની જેમ કદી કંટાળો આપતું નથી.

આકાશ, શૂન્યતા ભલે હોય પણ આકાશ એટલે અવકાશ, મોકળાશ. જર્મન કવિ ગટેએ જીવનની અંતિમ ક્ષણોએ પરદો હટાવવાનું કહી આકાંક્ષા કરી હતી – Light, more light – પ્રકાશ, અધિક પ્રકાશ. ટાગોરે આકાંક્ષા કરી છે. Space, more space. એ માત્ર ભૌગોલિક અવકાશની આકાંક્ષા નથી, એ તો વિસ્તારની આકાંક્ષા છે, જરાય આધ્યાત્મિક બન્યા વિના.

પંખીઓ આકાશમાં ઊડે છે. એ અનંત મોકળાશમાં સેલારા લેતાં પંખીઓની ઘણી વાર ઇર્ષ્યા થઈ છે, કેટલો બધો અવકાશ છે એમની ચારે બાજુએ. આકાશમાં ઊડતાં પંખીઓ તે આકાશની જ વિવિધ છટાઓ છે. વૃક્ષો પણ આકાશ ભણી જવા જાય છે. તે પવનમાં ઝૂમતાં હોય કે સ્તબ્ધ ઊભાં હોય, પણ એ ગગનોમુખ વૃક્ષોય આકાશની છટા છે, અરે નગરનાં સ્કાયસ્ક્રેપર પણ આકાશની આધુનિક છટા છે!

રાત્રે આકાશ પોતાનું સમગ્ર ખોલી નાખે છે. એ નક્ષત્રખચિત આકાશ તો ક્ષણે ક્ષણે બદલાતું જાય છે, નક્ષત્રોની ગતિથી. આ ચૈત્ર- વૈશાખની રાત્રિઓમાં છત પર સૂતાં સૂતાં આંખ ઊઘડી જાય તો સપ્તર્ષિ એક બાજુ નમવામાં હોય અને ચિત્રા-સ્વાતિનાં તોરણિયાં મીઠું મલકતાં લાગે. વિરાટ વૃશ્ચિકનો રમ્ય આકાર નિદ્રાને જરા વાર દૂર કરી દે. આકાશગંગા દીપ્ત નથી દેખાતી આ નગરની રાત્રિઓમાં, પણ એને એક છેડે દશરથ અને સામે છેડે કાવડ સાથે શ્રવણ ઊભેલો દેખાય અને હંસ તરતો દેખાય, આકાશગંગાની મધ્યે. પછી તો કંઈ કેટલાય પરિચિત તારા આંખો મેળવી રહે. પાછલી રાતના અંધારિયાનો ચંદ્ર પછી જલદી ઊંઘવા ન દે.

આકાશ સાથે ચિરપરિચિત મૈત્રી છે. પરગામ અજાણ્યા લોકો વચ્ચે પણ જરા આકાશ તરફ જોઈએ, ખાસ તો રાત્રિ વેળાએ, તો પરિચયના તારા ટમટમતા જ હોય. પછી અજાણ્યાપણું કે એકલવાયું ઓછું જ લાગે.

બારી બહાર જોઉં છું. વાદળોના ડુંગર હજી ચપળ ગતિથી સરકી રહ્યા છે, જેમની વચ્ચેથી આકાશનું નીલ સ્વરૂપ ઝળકી જાય છે. આ નીલ વર્ણ એવો તો મોહક છે કે ભગવાન રામચંદ્ર અને ભગવાન શ્રીકૃષ્ણે પૃથ્વી પર અવતરતાં આકાશનો એવો જ નીલ રંગ ધારણ કરવાનું તો નહિ વિચાર્યું હોય!

૨૬-૬-૯૪