ચૈતર ચમકે ચાંદની/એક શોકપ્રશસ્તિ – તણખિયા તળાવડી માટે

એક શોકપ્રશસ્તિ – તણખિયા તળાવડી માટે

સાબરમતીની પશ્ચિમે વસતા થયેલા અમદાવાદ નગરને અત્યારે હવે સરખેજ-ગાંધીનગર હાઈવે સાથે જોડતા ત્રણ નવા થ્રૂ માર્ગો તે નારણપુરા વિસ્તારનો સોલા રોડ, નવરંગપુરા વિસ્તારનો ડ્રાઇવ-ઇન રોડ અને એલિસબ્રિજ વિસ્તારનો સૅટેલાઇટ રોડ. તેમાં ડ્રાઇવ-ઇન અને સૅટેલાઇટ રોડ પેલા સરખેજ હાઈવેની સમાંતર આવેલ જોધપુર ટેકરાને ચઢીને જાય. સોલા રોડ હાઈ-વે પાર કરાવી પછી પ્રસિદ્ધ ભાગવત વિદ્યાપીઠ લઈ જાય.

ત્રણે થ્રૂ માગમાં સૅટેલાઇટ રોડ વધારે પોશ વિસ્તાર ગણાય છે. એ રોડની બંને બાજુ બંધાતી ગયેલી સોસાયટીઓ, બંગલાઓ, ટાવર્સ, રો-હાઉસિઝ અમસ્તા પગપાળા ચાલતાં જોવા જેવાં છે. પણ વધારે આકર્ષણ તો સુંદરવન, સૅટેલાઇટ ઇસરોની ઇમારતો, ચિન્મય મિશન, ભાવનિર્ઝર, શિવાનંદ આશ્રમ, નારાયણ આશ્રમ આદિ વિવિધ વિશાળ સંસ્થાઓ છે. એમાં જોધપુર ટેકરો ક્યાં વિલીન થઈ ગયો, જોધપુર ગામ ક્યાં ગયું. એ થોડા વખત પછી શોધનો વિષય બની જશે.

ડ્રાઇવ-ઇન રોડ પ્રમાણમાં ઓછો પોશ કહેવાય. આ વિસ્તારમાં યુનિવર્સિટીનાં વિશાળ મેદાનોને લીધે હજી ઘણી મોકળાશ છે. વૃક્ષોનો એકદમ હરિયાળો પટ્ટો પણ એક દિશામાં છે. તેમ છતાં એ રસ્તો ઘણો સંકડાશવાળો બની ગયો છે, તેના પરના હેવી ટ્રાફિકને લીધે. ગુરુકુળનો વિસ્તાર અને પછી વસ્ત્રાપુરની સરકારી વસાહતના અસંખ્ય ફ્લૅટ. હવે તો બહુમાળી ટાવર્સ ઊભાં થતાં જાય છે. આ માર્ગે પણ સારું છે કે થલતેજ ટેકરી પરની જગ્યા બધી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટને સરકારે આપી છે. ઇન્સ્ટિટ્યૂટે ત્યાં હજારો ઝાડ રોપી વન ઊભું કર્યું છે. આ ટેકરી પર નેહરુ ફાઉન્ડેશન પણ ઊભું થયું છે.

પરંતુ ડ્રાઇવ-ઇન રોડ પર લગભગ પાસપાસે કહેવાય, પણ રસ્તાની સામસામે આવેલી બે પ્રસિદ્ધ ઇમારતો તે સનસેટ ડ્રાઇવ-ઇન સિનેમા અને દૂરદર્શન ભવન. સનસેટ સિનેમાના વિરાટ સ્ક્રીન માટેની દીવાલ અને દૂરદર્શનનું ઊંચું ટાવર આ વિસ્તારની સ્કાયલાઈન રચે છે. આ રસ્તાની ‘રોનક’ આ બે ઇમારતોએ વધારી મૂકી છે.

ડ્રાઇવ-ઇન બનવા લાગ્યું ત્યારે આખા અમદાવાદને તો શું – આખા દેશને માટે નવું અચરજ હતું. આમ તો સિનેમાગૃહ, પણ ત્યાં મોટરમાં બેસીને સિનેમા જોઈ શકાય એવી ખાસ વ્યવસ્થા. મોટર વિનાના પ્રેક્ષકો માટે એક ઑડિટોરિયમ ખરું, પણ એ સિવાય ૭૦૦ મોટર સિનેમા જોઈ શકે એવી ગોઠવણ. ડ્રાઇવ-ઇન એટલે કે મોટરને હંકારીને સીધા થિયેટરમાં લઈ જાઓ. સ્કીન ખુલ્લામાં એટલે અંધારું થાય પછી શો શરૂ કરી શકાય. વરસાદ પડે તો શો મુલતવી પણ રાખવો પડે. રોજ બે શૉ થાય. છ-સાતથી નવ-દશ સુધીનો એક અને તે પછી એક. એટલે રાતનો એક તો વાગી જાય.

હવે કલ્પના કરો કે શૉ ફૂલ હોય ત્યારે માત્ર સિનેમા જોવા જનારની ૧૪૦૦ મોટરગાડીઓ આ રસ્તે જાય અને એટલી પાછી આવે. રાતે એક વાગ્યે ડ્રાઇવ-ઇન શૉ છૂટે ત્યારે આ રસ્તે ઊભા રહી પસાર થતી મોટરોની ગતિ, હૉર્નના કાન ચીરી નાખતા અવાજો, એ સાથે મોટકસાઇકલ, સ્કૂટરસવારોની વાંકાચૂકા થઈ નીકળી જવાની કરામતો અને બધાં વાહનોનો ભેગો થતો ધુમાડો બધું અનુભવીએ એટલે થાય કે આ ડ્રાઇવ-ઇનની એક વખતે રોમાંચક લાગતી કલ્પના આ મહાનગરનું કેવડું મોટું દુઃસ્વપ્ન છે! યુનિવર્સિટીની હૉસ્ટેલો પાસે હોવાથી રાતના અનેક વિદ્યાર્થીઓ પણ પહોંચી જાય છે. રાતના એક વાગ્યે પાછાં ફરતાં ફૅશનેબલ દંપતીઓ પણ ઘણાં, એમની હેરાનગતિઓની કથા પણ સાંભળવા મળે. દૂર દક્ષિણનાં મા-બાપના યુનિવર્સિટીમાં ભણતા એકના એક દીકરાનું સાઇકલ-ઝઘડામાંથી માફિયા ટોળીએ માર મારી મોત પણ નિપજાવેલું. ડ્રાઇવ-ઇન થિયેટર મૂળ તો ગ્રામવિસ્તાર, પણ હવે આ મહાનગરનું એક અંગ – એને આ મહાનગરનું સતત દૂઝતું ગૂમડું કહી શકાય. પરંતુ એ અશ્વત્થામાનું ગૂમડું છે. રૂઝ આવવાની નથી, એની દુર્ગન્ધ બંધ થવાની નથી.

ઘણી વાર રજાના દિવસે નવ-દશ વાગ્યે તો સામેથી માત્ર થિયેટરને લીધે ૭૦૦ મોટરો આવતી હોય અને ૭૦૦થીય વધારે તે તરફ જતી હોય અને વત્તા એ તરફ વસેલા લોકોના ટ્રાફિકની ચરમસીમા હોય ત્યારે નરકાગ્નિ માટે કલ્પના કરવાની જરૂર રહેતી નથી.

અમારું ઘર આ ડ્રાઇવ-ઇન માર્ગથી થોડું અંદરના ભાગમાં છે, તેમ છતાં મધરાતના એક વાગ્યે ઘણી વાર માર્ગ પરના અવાજોથી ઊંઘમાંથી છળી પડાય છે. જેમનાં ઘર રસ્તાની ધારે છે, તે તો વધારે ‘ભાગ્યશાળી’.

હું જ્યારે યુનિવર્સિટીમાં ભણતો હતો એટલે કે આજથી ત્રીસબત્રીસ વર્ષ પહેલાંની જ વાત છે, ત્યારે યુનિવર્સિટીની અમારી ‘એ’ બ્લૉકની હૉસ્ટેલને રસોડે જમી સાંજના આ માર્ગે ફરવા નીકળતા. મેમનગર અને પછી થલતેજ જતો ગામડાઉ રસ્તો. ચોમાસામાં બન્ને બાજુ ડાંગરનાં ખેતર. મેમનગર તો ગામડુંગામ. ત્યાં રામલીલા જોવા ગયેલા એક શિયાળામાં. ખાટલામાં બેસીને જોયેલી.

ને એ પછી સાત-આઠ વરસે અમે આ યુનિવર્સિટી વિસ્તારમાં બંધાવેલી અમારી સોસાયટીમાં રહેવા આવ્યા. અત્યારે તો પ્રસિદ્ધ વિજય ચાર રસ્તાવાળો વિસ્તાર. વિશાળ રાધાકૃષ્ણન માર્ગ ત્યારે નહિ, કાચો રસ્તો પણ માંડ. અમારી સોસાયટી અમદાવાદની આથમણી હદની છેલ્લી સોસાયટી. સરકારી અધિકારીઓની સૌરભ વગેરે પણ પછી થયેલી સોસાયટીઓ.

અમને બહુ સારું લાગતું. ઘર પછવાડે પણ હજુ ઊંચી થોરની વાડી હતી. આ ડ્રાઇવ-ઇનવાળો તો કાચો રસ્તો, એટલે વાહનોમાં માત્ર સાઇકલો જતી, ક્યાંક સ્કૂટર વગેરે. પેલી બાજુ તો બધો ખેતરોનો વિસ્તાર, ગુજરાત સરકારનું એક સૂકી ખેતીના પ્રયોગો માટેનું મોટું કામ હતું.

આ માર્ગે હું અને મારા પાડોશી ઇતિહાસના અધ્યાપક અને ચાલવાના ખૂબ શોખવાળા મિત્ર, રવિ રાવળ ઘણી સાંજોએ ફરવા જઈએ. ઘણી વાર થલતેજ ટેકરા પરના એક નાનકડા મંદિર સુધી પણ જઈએ. એક વાર તો અન્ય મિત્રો સાથે અત્યારે જ્યાં દૂરદર્શન થયું છે, તે ટેકરીના ઢોળાવ પરના એકાંત આંબાવાડિયામાં પિકનિક જેવું પણ કરેલું. ચોમાસાના વરસાદ પછીની થલતેજની ટેકરી ખૂંદેલી. એક વૈશાખી પૂનમે તો અમે બે મિત્રોએ એ જ ઢોળાવ પરના આંબાવાડિયામાં પૂનમના ચંદ્રને જોતાં જોતાં ભગવાન બુદ્ધની વાતો સાથે સંક્રમણ કરેલું. કોઈ વાહનનો અવાજ ભંગ પડાવનાર નહિ.

પણ આ માર્ગે જે આકર્ષણનું સ્થળ ચોમાસાના દિવસોમાં અમારે માટે હતું તે તો ત્યાં એકાંતમાં આવેલી તણખિયા તળાવડી. આમ તો એ નાનકડા રસ્તાની ધારે. પણ આજુબાજુ ખરાબો અને વચ્ચે બનેલી આ તળાવડી. નામ પણ યાદ ન આવત જો ત-ત ની વર્ણસગાઈ ન હોત – તણખિયા તળાવડી.

અમારી પ્રોફેસર્સ કૉલોનીમાં રહેવા આવ્યા, તેના પહેલા વરસે જ અમે એની ‘શોધ’ કરેલી. સાંજની વેળા હતી. થોરની વાડવાળા રસ્તાની બે ધારે પાણી ભરાયેલાં. વાડે વેલો ચઢેલી. વાદળી રંગનાં અપરાજિતાનાં ફૂલો ખીલેલાં તે હજી યાદ છે. ઘણા દિવસનાં પાણીની એક ભીની ગરમ મહેક પણ હતી. અમે બન્ને એ મહેકમાં અમારી ગામ-સીમ સૂંઘતા હતા. થોડા નોસ્ટાલ્જિક પણ બની ગયા હતા. એ કચ્છના એમના કોઠારા ગામની વાત કરે, જ્યાં વરસાદ ઓછો હોય, હું મહેસાણા જિલ્લાના મારા ગામની, સીમની, આંબા-તળાવની વાત કરું. એ દિવસે અમે જરા વધારે ચાલ્યા, તો તો એક આ તળાવડી! એકદમ પ્રસન્ન કરે એવું ‘લિરિકલ’ દૃશ્ય. હળવા પવનથી રોમાંચિત થતાં પાણી. હજી થોડાં મટમેલાં, પણ આમ તાજાં ચોખ્ખાં. પોતામાં પરિતૃપ્ત આ તળાવડીનું વર્ણન કરવા જેવી કવિજનોચિત શબ્દશક્તિ મારી પાસે હોત તો કાદંબરીકાર બાણભટ્ટના અચ્છોદ સરોવરના વર્ણન પછી તણખિયા તળાવડીના મારા વર્ણનને સાહિત્યવિવેચકો બીજું સ્થાન આપત.

અમે બન્ને મિત્રો આ તળાવડીને તો પહેલી વાર જોતા હતા. થોડાં પંખીઓ હતાં. વક્તીતી તો હોય જ. કાગડા પણ હતા. એક પ્રકારની નીરવતા હતી. અમે તળાવડીમાં જળ સુધી પહોંચ્યા. મને આવી નાની સીમાડાઓની ઘણીબધી તળાવડીઓ યાદ આવી. એમાં અમારાં ખેતરોની બાજુ જહરુના ચાડની તળાવડી. બાવળિયાની કાંટ્ય વચ્ચેની એ ખરાબાની તળાવડીને જરા ઊંચે કાંઠે ખરાં. આસોમાં ત્યાં બાજરી લેવાય, પછી મગ મઠ વગેરે કઠોળ. ક્યારેક રાતવાસો એ તળાવડીને કાંઠે. રજાના દિવસે ભેંસો પણ ચરાવવાની. તળાવડીમાં ડૂબવાની બીક નહિ, એટલી જ ઊંડી, એથી આખી બપોર પાણીમાં. અબુલોઢબુલોની રમત ચાલે. કાચબા પણ સંગી હોય.

બીજી પણ એવી તળાવડીઓ મનમાં ઊભરાઈ. આ બધી તળાવડીઓમાં બહુ બહુ તો માગશર-પોષ સુધી પાણી રહે, પછી સુકાવા લાગે. તળિયે જામેલો સુંવાળો કાંપ ઉઘાડો થાય, પછી એનાં ચોસલાં પડવા માંડે. કાકાસાહેબને પ્રિય એવું કાદવનું કાવ્ય રચાય.

આ તણખિયા પણ એવી જ સીમાડાની સ્તબ્ધતામાં આવેલી તળાવડી હતી.

પછી તો ઘણી વાર ચાલતા ચાલતા ત્યાં સુધી જઈએ. એક વખતે ખબર પડી કે આ ખરાબાના વિસ્તારમાં ડ્રાઇવ-ઇન થિએટર બાંધવા કોઈ આફ્રિકાથી આવેલા વેપારીને આ સરકારી જમીન બહુ નજીવી કિંમતે આપવામાં આવી છે. એમાં થોડી ચશમપોશી પણ થયેલી સાંભળી. જે હોય તે.

પછી એક દિવસ ત્યાં જોયું તો ટ્રૅક્ટર, બુલડોઝર આવી ગયાં હતાં. જમીનનું લેવલિંગ થતું હતું. ઝાડીઝાંખરાં સાફ થતાં હતાં. તણખિયાની સ્તબ્ધતા હવે કેવી? ટ્રકો, મશીનોનો ઘરઘરાટ ગુંજતો હતો.

પછી એક દિવસ ત્યાં જોયું તો તણખિયા એક બાજુથી પુરાતી આવતી હતી. મનમાં એ દિવસે એક સણકો ઊપડ્યો. શું તણખિયાનું અસ્તિત્વ હવે નહીં રહે? આ કાચા રસ્તે થલતેજ જતી લાલ બસો પણ શરૂ થઈ ગઈ હતી. અહીં એક બસ-સ્ટૉપ પણ બન્યું. સ્ટૉપનું નામ હતું – તણખિયા તળાવડી. ચલો, કમસેકમ નામ તો રહી ગયું.

તણખિયા અડધી તો પુરાઈ ગઈ હતી. કોઈ અદૃષ્ટના અભિશાપથી તેનું અડધું અંગ જાણે રહી ગયું. તણખિયા આ સીમના આખા ખરાબાની શોભારાણી હતી, તે હવે લકવાગ્રસ્ત, પીડિત, પદદલિત. હજી કેટલોક ઢાળ આ તરફ હોવાથી ચોમાસામાં પાણી તો ભરાતાં, પણ પછી તેમાં લીલ બાઝવા લાગી. વક્તીતીતીઓ બીજે ઊડી ગઈ. કાચબા-દેડકાં વગેરે ઊભચરો ક્યાં ગયાં હશે? ખબર નહિ.

પછી એક દિવસ સડક ઘણી પહોળી થઈ. તણખિયા એક સ્થળે પાણીથી ભરેલો નાનો ખાડો માત્ર બની રહી. તણખિયા નામશેષ રહી.

— પછી એક દિવસ જોયું તો, બસસ્ટૉપનું નામ ‘તણખિયા તળાવડી’ હતું, તેય ગયું. ત્યાં હવે પાટિયું લાગ્યું – ડ્રાઇવ-ઇન. તો શું તણખિયા નામ પણ વિલુપ્ત થઈ ગયું આ ધરતી પરથી? ડ્રાઇવ-ઇન હવે તો આખા રોડનું, આખા વિસ્તારનું નામ બની ગયું. એ નવું નામ ગળી ગયું તણખિયા તળાવડીના નામને પણ? તળાવડી તો લગભગ રહી જ નહોતી.

તો હવે તણખિયા તળાવડી વિષેની આ એક શોકપ્રશસ્તિ – એલિજી. આ એલિજીમાં કદાચ તણખિયાનું નામ ટકી જાય.

રે મિથ્યા દુરાશા!

૧૫-૧૧-૯૨