ચૈતર ચમકે ચાંદની/પ્રાસ્તાવિક

પ્રાસ્તાવિક

શ્રી મહેન્દ્ર મેઘાણીએ એક વાર મને કહ્યું કે મારી વાચનયાત્રામાં તમારા એક લેખનું વાચન શ્રોતાઓને સ્પર્શી જાય છે. કયો હશે એ લેખ? હું વિમાસતો હતો, ત્યાં એમણે કહ્યું – તમે કુન્દનિકાબહેનની વાર્તા ‘જવા દઈશું તમને’ વિષે કરેલો લેખ. હું રાજી થયો. મને ગમેલી વાર્તા એ ઘણા શ્રોતાઓને પણ ગમી. ખરી વાત એ છે કે એ લેખની જેમ આ બધાય લેખોમાં મને ગમતી વાતોની વાત છે. કોઈક વિષે વાત કરવાનું મને વધારે ગમે છે, તો એમની વાત વારે વારે આવે, જેમ કે કવિ ઉમાશંકરની વાત, રવીન્દ્રનાથની વાત, કાલિદાસની વાત, મારા ગામની વાત. કેટલીક વાતો તો અમસ્તી આસપાસના રોજબરોજના ઘરેલુ જીવનની પણ છે. વળી કવિતાની કે ફૂલની વાત કરવાની જેમ ફિલમની વાત કરવાનું પણ ગમ્યું છે.

રુદાલી વિષે મેં અહીં મારા નિબંધમાં અહોભાવથી લખ્યું છે, ખાસ તો એના દિગ્દર્શન વિષે. પણ પછી ૧૯૯૫માં સાહિત્ય અકાદેમી તરફથી દિલ્હીમાં યોજાયેલા પરિસંવાદમાં એ કથાનાં લેખિકા મહાશ્વેતા દેવીએ કહેલું કે મારી ભૂખ અને દરિદ્રતાની વેદનાને વ્યક્ત કરતી બિહારની પાર્શ્વભૂમાં લખાયેલી વાર્તા રુદાલીને કલ્પના લાજમીએ ઉતારેલી ફિલ્મ સાથે બહુ સંબંધ નથી! એ વાર્તા પછી મેંય વાંચી. મહાશ્વેતા દેવીની વાત ખરી હતી, પણ ફિલ્મના પેલા પ્રથમ પ્રભાવની વાત એમ જ રહી છે.

આ પુસ્તકનું પ્રકાશન હાથ ધરવા બદલ આર. આર. શેઠની કંપનીના ભગતભાઈ શેઠ તથા ચિંતન શેઠનો આભાર માનું છું. પુસ્તકની હસ્તપ્રત તૈયાર કરવામાં સહાય મળી છે ત્રણ ગ્રંથાલયશાસ્ત્ર- નિષ્ણાતોની – તોરલ, માયા અને શર્મિષ્ઠાની. શ્રી ચંદ્રકાન્ત ભટ્ટે પ્રૂફ સુધાર્યાં છે. આ સૌ પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. ‘સંદેશ’નો આભાર તો છે જ, જે અનેક વાચકો સાથે સેતુરૂપ બને છે.

નાયગરા અને સહસ્રદ્વીપ ઉદ્યાનની પરિક્રમા સંદર્ભે અમેરિકાસ્થિત આરતી અને પુલિન શાહને યાદ કરું છું.

ભોળાભાઈ પટેલ}


વસંતપંચમી ૧૯૯૬