છંદોલય ૧૯૪૯/નયન હે

નયન હે

નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો!
અશ્રુની અંજલિ પક્ષ્મના પુટ મહીં ધારજો!
આજ લગ જે જતું રે દ્રવી
મૃદુલ મુજ હૃદય, આદિ કવિ!
પ્રગટ કીધો તમે એહનો શોક,
હે નયન, છો તમે સૃષ્ટિનો કરુણતમ શ્લોક!
રે આજ તો કિન્તુ આ પ્રાણને પ્રાંગણે,
નવ્ય આનંદનું આગમન;
એહને નમ્ર નત નયન રે હો તમારું નમન!
આ ક્ષણે
ધૂમ્ર શું ધૂસર નિજ અશ્રુનું અંચલ
આડું વચમાં જ ધરશો નહીં!
દૃશ્યને ધૂંધળું જરીય કરશો નહીં!
ના થશો ચંચલ!
આજ આનંદને આરતી
સ્મિત તણાં કોટિ કિરણો થકી છો થતી!
ને તમે એહના ચરણમાં
અશ્રુની અંજલિને અભિષેકમાં ધારજો!
મૌનના શરણમાં
કરુણ નિજ કાવ્યના સ્રોતને સારજો!
નહીં, નહીં, નયન હે! નીર વ્હેશો નહીં, વારજો!

૧૯૪૮