છિન્નપત્ર/૧૧


૧૧

સુરેશ જોષી

સ્થળ ભલે ને નવું હોય, આપણે તો આપણી ટેવના જૂના ખોખામાં જ આખરે બધું ગોઠવવા બેસી જઈએ છીએ. જૂના ઘરમાંથી નવા ઘરમાં જઈએ છીએ ત્યારે ‘અહીં બેસીને મને વાંચવાનું ફાવશે.’ ‘સાંજે બે ઘડી અહીં બેસીએ તો ઠીક’ – આમ કહીને વળી એ જ જૂનો નકશો આંકી દઈએ છીએ. અહીં પણ હું એ જ કરી બેઠો હોત – પણ જાણી કરીને આ ઘરને હું ઘર તરીકે જોતો નથી. અહીં મારા વિષાદને ઉછેરવાનો એક્કેય ખૂણો મેં રાખ્યો નથી. ઘરને બહાર જોડે બને તેટલું ભેળવી દીધું છે. રસ્તા પર આપણે વહેંચાઈ જઈએ છીએ. આજુબાજુની દુકાનોનાં મોટાં મોટાં પાટિયા, ફેરિયાના અવાજો, એક ઘર પરથી બીજા ઘર પર કૂદી જતી બિલાડી, નીચે મોઢે ચાલી જતાં ઘેટાંબકરાંઓની હાર – આ બધું મારી બહાર બનતું નથી. એ બધાથી મેં મારી જાતને સાચવીને જુદી રાખી નથી. ટોળા વચ્ચે માલા, તારું મૌન સહ્ય બને છે. ત્યારે તારું મૌન ઘણી બધી વસ્તુ ભેગું હોય છે. પણ ઘરની બારી પાસે તું આવીને બેસે, અન્યમનસ્ક બનીને હું જે કહું તે સાંભળે, પછી હોંકારો પણ પૂરતી બંધ થઈ જાય, હું ખિન્ન થઈ જાઉં, રોષે ભરાઈ જાઉં, તને ઢંઢોળીને જગાડું, મને ખેદ થયો તેથી તું મુંઝાઈ જાય ને આવતી કાલે નહીં આવવાનાં બહાનાં કાઢે, હું એ પણ કળી જાઉં – આપણો આ સદાનો ક્રમ કદાચ આ ઘરમાં નહીં ચાલે એમ કહીને હું તને આવવાને લલચાવું છું એમ ન માનીશ. અલબત્ત, એમ તું આવે એવી નથી. પણ માલા, તે દિવસે તને શું થયું હતું?તું જાણે મને છોડીને જવા જ નહોતી માગતી ખરું ને? તું કશાકથી ભય પામતી હતી, શેનાથી તે તો હું જાણતો નથી પણ એની ને તારી વચ્ચે મને રાખીને તું સહેજ સ્વસ્થ થવા ચાહતી હતી, ખરું ને? પણ એવી એકાદ ક્ષણમાં કદાચ તું મારી વધુ નિકટ સરી આવે એવો મને લોભ રહે છે. તારો ભય અને મારો લોભ ભેગા થાય છે, આપણે ભેગાં થતાં નથી. તારા પત્રો મળ્યા છે. મેં વાંચ્યા નથી. સાચું કહું તો તારા પત્રો કદી હું આખા ઉકેલી શકતો નથી. તું એ ક્યાં બેસીને લખે છે, એના પર શેની શેની છાયા પડી છે, એકાએક પત્ર વચમાં અટકાવી દઈને તું ક્યાં જતી રહે છે, પત્ર લખતી વખતે તારા મનમાં મારી જ છબિ હોય છે એવું તો નથી – ને એ તરત મને સમજાઈ જાય છે – તો કઈ કઈ સ્મૃતિને તું મારે નિમિત્તે ઢંઢોળતી હોય છે? – આ પ્રશ્નોમાંથી એક્કેયનો તારો પત્ર જવાબ નથી આપતો. આથી તારા પત્રને અકબંધ પેલી સુખડની દાબડીમાં મૂકીને હું તરત બહાર ચાલ્યો જાઉં છું. બહાર જઈને ઘણાં અજાણ્યાં હાસ્યક્રન્દનની વચ્ચે અટવાઈને નિ:શેષ થઈ જાઉં છું. ફરી નવેસરથી બધું ગોઠવવા બેસું છું: શબ્દ પછી શબ્દ. આમ રાત ચાલી જાય છે. વળી સવારે બારી આગળના તડકાના ટુકડા એકઠા કરું છું. ગઈ રાતની થોડી વધેલી ક્ષણોને કબૂતરની જેમ ઉડાડી મૂકું છું.