છિન્નપત્ર/૧૮


૧૮

સુરેશ જોષી

આપણે કહીએ છીએ એક ક્ષણ, પણ પછીથી ચિત્તના નેપથ્યમાં એ કેટલી તો વિસ્તરતી હોય છે! આમ જોઈએ તો કશું જ નહોતું. તું એકાએક મારા ખભા પર માથું ઢાળીને આંખ બંધ કરીને એક ક્ષણ બેસી રહી હતી. તારો ઉચ્છ્વાસ મારા કાનને સ્પર્શતો હતો. બીજી જ ક્ષણે કોઈ આવી ચઢતાં તું એકાએક મારાથી દૂર ખસીને જાણે સાવ અજાણી બની ગઈ હતી, તારી આંખમાં મારી પ્રત્યે રોષ હતો. આપણે બંને અજાણ્યા નહોતાં, આવનાર અજાણ્યો હતો. પણ તારા ક્ષણ ભરના રોષની એ ક્ષણ, એમાં થોડી ભળેલી અનુતાપની માત્રા, મારા ચિત્તમાં ગ્રીષ્મના પ્રલમ્બ દિવસની જેમ વિસ્તરતી ગઈ. જંદિગીને અન્તે કદાચ આવી જ થોડી ક્ષણોનો સરવાળો આપણા હાથમાં રહેતો હશે. બાકીનું બધું તે કાળ. જે ઘટના એને અનુરૂપ સમયનાં બીબાંમાં સમાઈને રહેતી નથી, એને ઉલ્લંઘીને વિસ્તરે છે તે જ કવિના હૃદયમાં જીવે છે. વ્યક્તિનું પણ એવું જ નથી? જે નિયત સમ્બન્ધોનાં ચોકઠાંમાં પૂરા સમાઈ જાય છે, એથી વિશેષ વિસ્તરતા નથી તેમનાથી સમાજ ચાલે છે, હૃદય ચાલતું નથી. આથી જ તો જ્યારે જ્યારે આપણા સમ્બન્ધને નામ પાડીને કોઈએ ઓળખાવવાનો આગ્રહ રાખ્યો ત્યારે આપણે એવી પરિસ્થિતિની હંમેશાં બહાર જ છટકી ગયાં. હા, કોઈને કદાચ એમાં કાયરતા, દિલચોરી કે અપ્રામાણિકતા પણ લાગે.

તે દિવસે કોઈ નહોતું, આપણે બે જ હતા. એવી પરિસ્થિતિ ઊભી થવાથી તું અકળાતી હતી. અનેક નાની વીગતો વિશે જાણે એકદમ ચિન્તામાં પડી ગઈ હતી; જો લીલા બસ ચૂકી જાય તો? જો અમલ અરુણને નહિ મળ્યો હોય તો? બાએ વધારે દૂધ નહિ રાખ્યું હોય તો? – હું તારી કૃત્રિમ મૂંઝવણ જોયા કરતો હતો. એકાએક અશ્રુસજળ આંખે તેં મારી પાસે આવીને મારો હાથ પકડી લીધો. કશીક વેદનાના ધક્કાથી તું મારી પાસે ધકેલાઈ આવી હતી. મારા પ્રેમનો આવેગ આ ભંગુર વેદનાને જન્મ ન પહોંચાડે એ માટે મારે કેટલા બધા સાવધ રહેવું પડ્યું! મને ખબર હતી કે બીજી જ પળે તું તારાં આંસુથી અકળાઈ ઊઠવાની છે. પણ બીજી જ પળે તું મારી સામે જોઈને હસી પડી. આંસુની ભીનાશ હજી આંખમાંથી ગઈ નહોતી. તારા હાસ્યથી ઉત્તેજન પામીને મેં મારી બે હથેળી વચ્ચે તારું મુખ જકડી દીધું. તારી આંખો હસી રહી હતી. ચુમ્બનને માટે મારું મુખ ઝૂક્યું, તારી લુચ્ચી આંખોએ માત્ર સહેજ હાલીને ના કહી, પણ મારા હાથની પકડમાંથી છૂટવાનો પ્રયત્ન કર્યો નહિ, મેં તારા કાનની પાસે મોઢું લાવીને માત્ર કહ્યું:’માલા!’ તેં માત્ર કહ્યું:’હં’ – એમાં કશું સાંભળવાની અધીરાઈ નહોતી. ત્રણ કાળની બહાર છટકી નાસેલો એ નાનો સરખો ઉદ્ગાર તને ને આપણા પ્રેમને કેવો તો અસીમ બનાવી દેતો હતો!