છિન્નપત્ર/૨૨


૨૨

સુરેશ જોષી

ના, મેં તને સ્ટેશને જોવાની આશા નહોતી રાખી. મેં તો કદાચ મારા આવવાની તને ખબર પણ આપી નહિ હોય, પણ લીલા, એ મને સ્ટેશને મળી. જાણે હું બહુ દુ:ખમાં હોઉં તેમ મને ખૂબ હસાવવાનો પ્રયત્ન કરવા લાગી. ખરેખર મારી આવી દયાજનક સ્થિતિ થઈ ગઈ છે? હું તો હંમેશની જેમ તારે ઘરે આવી ચઢ્યો હોત પણ હવે શક્ય નથી, આપણી વચ્ચે આ અમલના લગ્નની ઘટનાએ એક પરોક્ષતાનો અન્તરાય ખડો કરી દીધો છે. એની જવાબદારી મારી નથી એમ કહું તો તેથી એને ભોગવવામાંથી હું છટકી જઈ શકવાનો નથી.

આ દરમિયાન મને મારી એક નબળી કૃતિ માટે લોકોએ ઝાઝી કીતિર્ આપી છે. હું કીતિર્થી મૂંઝાતો નથી, એ પરત્વે હું બને ત્યાં સુધી ઉદાસીન રહું છું; કોઈક વાર કીતિર્એ રચેલો ઘોંઘાટ મને અકળાવી મૂકે છે. એ તારી ને મારી વચ્ચે અન્તર તો નહિ રચી દે ને? બધાંને મન ચળકતા નામની બહુ કિંમત હોય છે. પણ તે દિવસે આપણે સાથે મળીને મારું નામ દાટી નહોતું દીધું? તું કહેતી હતી: ‘હવે હું એને મારાં આંસુ સીંચીને ફરીથી પલ્લવિત કરીશ.’ ત્યારે મેં કહેલું, ‘એ માટેનાં આંસુની વ્યવસ્થા મારે જ કરી આપવાની રહેશે?’ તેં જવાબમાં કહેલું: ‘પોતાને ખાતર આંસુ સારતી એકાદ સ્ત્રી હોય તો જ પુરુષને પોતાની જંદિગી સાર્થક થઈ લાગે છે.’ પણ માલા, આ તો ભયંકર અન્યાય નથી? તારા મુખ પર મારો હાથ ફેરવી ફેરવીને મેં તને કહ્યું હતું: ‘જો, હવે મેં તારું મુખ સાવ નવું કરી નાખ્યું છે. હવે એ પહેલાંની માલા નથી.’ ત્યારે તેં સુખથી કહ્યું હતું: ‘હા, આ પહેલાંની ને હવેની – આ બે વચ્ચેના ભેદની રેખા પણ તું ભૂંસી નાખશે ને?’ મેં મારા સ્પર્શથી તને એનો જવાબ વાળ્યો હતો, કારણ કે શબ્દો ભુલાઈ જાય છે, સ્પર્શ હૃદયના ધબકારામાં જઈને ભળે છે, આંખની જ્યોતમાં ચમકે છે.

માલા, તું તો જાણે છે કે મને કીતિર્માં રસ નથી. એક સાથે જુદાં જુદાં બે વ્યક્તિત્વ લઈને જીવવું કપરું છે. એમાંનું એક તો તારામાં અભિન્ન બનીને ભળી જાય તો બીજું તો હું સંભાળી લઈ શકું. હા, આટલો લોભ મને સદા રહ્યો છે. પણ જે તને ને મને ઓળખતા નથી તે મને એમ કહે છે કે તું મારી કીતિર્ને કારણે મારા તરફ વળી છે. દરેક કીતિર્ને અપકીતિર્નો પડછાયો હોય જ છે.

પણ તારી પાસે તો હું મારું નામ સુધ્ધાં ખંખેરી નાખીને આવું છું. તું આપણી વચ્ચે સદા આછો સરખો અન્તરાય રાખીને જ મને મળે છે. કદાચ મારી વેદનાનો ઉત્તાપ જ એ અન્તરાયને ઓગાળી નાખે એમ તું ઇચ્છતી હશે. પણ આ અનિવાર્ય છે? આપણો પ્રેમ પ્રશ્નમુખર છે. તું તરત મને સુધારીને કહેશે: ‘આપણો નહીં, તારો.’ હું પણ કહીશ: ‘ને તારો મૌનમુખર, ખરું ને?’