છિન્નપત્ર/૨૭


૨૭

સુરેશ જોષી

મનમાં સહેજ સંકોચ તો છે જ. ગઈ કાલની વાત તને યાદ કરાવીને મારે તને મૂઝવવી નહિ જોઈએ, ખરું ને? પણ મારે મન તો એ ખૂબ ખૂબ સુખની ઘટના છે, એટલે એને ફરી ઘૂંટવા પૂરતી પણ અહીં ફરી યાદ કરું છું. આપણે વાત કરતાં હતાં, સામાન્ય વાતો. ઘણી વાર સામાન્ય વાતના પ્રવાહની નીચે જ પ્રચ્છન્નપણે બીજો પ્રવાહ વહેતો હોય છે. એવું પણ કશું નહોતું. ને એકાએક મેં જોયું તો વાતનો દોર તૂટી ગયો છે – અથવા તો તારા સિવાયની કોઈ ત્રીજી જ વ્યક્તિએ એ વાતનો દોર પોતાના હાથમાં લઈ લીધો છે. પણ એ તું નથી એમ પણ મારાથી કહી શકાતું નથી. પણ શબ્દો એકદમ હળવા બની ગયા, આંખો પતંગિયાની જેમ ઊડવા લાગી, હાસ્યની પાંખડીઓ ઊડી ઊડીને મને વળગવા લાગી – ને તારી કાયામાંથી જાણે સ્પર્શનો સાગર રેલાયો – એમાં ડૂબવાનું કેવું સુખ! અનુતાપ નહીં, આક્રોશ નહીં, દરેક વખતે હોય છે એવું મૌન પણ નહીં. આનન્દના નાના નાના બુદ્બુદ્, એમાં ઝીલાતા સાત રંગની લીલા. હું સ્તબ્ધ થઈ ગયો. હું એકાદ શબ્દ સરખો બોલ્યો હોત તો કદાચ બધું અસ્તવ્યસ્ત થઈ ગયું હોત. આથી હું અવાક્ થઈ ગયો. ને તું બોલ્યે જ ગઈ. એ શબ્દો પણ હળવા, પારદર્શી અને ટકી રહેવાનો લોભ નહીં. એ બધાને ઝીલીને સાચવી રાખવાની પણ વૃત્તિ નહીં. એ સ્થિતિ બદલાય, વાતાવરણમાં પરિવર્તન થાય તે પહેલાં જ હું ચાલ્યો આવ્યો. તારી આંખમાં સહેજ મ્લાનતા દેખાઈ એ પણ મને ગમી. પણ તારી ને મારી વચ્ચે આખું વિશ્વ મૂકી દેવાની ત્યારે મને ઇચ્છા થઈ, વિચ્છેદ રચવા માટે નહીં. એ વિશ્વ પણ પારદર્શી બની જાય, મારી દૃષ્ટિ કશા અન્તરાય વિના એ વિશ્વ વચ્ચે થઈને પણ તને જોઈ શકે એની પ્રતીતિ કરવા.

પણ એથી જ તો આજે તને મળવાની મારી હિંમત ચાલતી નથી. કદાચ હું જેને મળવા ઝંખું છું તે આજે નહિ હોય, એને સ્થાને જે હોય તે પણ મારી નથી એવું તો થોડું જ છે? પણ હૃદયમાં પક્ષપાત કરવાનો અવગુણ છે એ સ્વીકારવું જ રહ્યું. તું કોઈ વાર કશુંય નહીં લખવાનું આવું કારણ આપે છે, ‘હું અત્યારે લખું ને પછી મારા વિચાર બદલાઈ જાય તો?’ આથી તું લખતી નથી, બોલે છે પણ જાળવી જાળવીને, અરે એક નાનો શો ઉદ્ગાર કાઢવામાંય તું ઘણી વાર કેટલી બધી સાવધ રહે છે. પણ તને ખબર છે? તારી એ સાવધ રહેવાની પ્રવૃત્તિ જ મારે માટે કેવી તો મોહક બની રહે છે! આથી એનાથી હું બહુ અકળાઈ જતો નથી. છતાં તું બોલે ને બોલ્યા પછી પરવશ થઈ ગયાનું ભાન થતાં વળી સ્વતન્ત્ર થવા બમણા આવેગથી માથું ઊંચકે, એનો આઘાત આપણને બંનેને લાગે, વળી કળ વળે, વળી થોડું સુખ, આશા, ભ્રાન્તિ.