છિન્નપત્ર/૫૦


૫૦

સુરેશ જોષી

આજે સૃષ્ટિને મુખે ‘આવજો’ની વદાયવાણી છે. હવા હીબકાં ભરે છે. તડકો અહીંતહીં ઠોકર ખાય છે. ઘરના ખાંચાઓ વચ્ચે ભીંસાતોકચડાતો અવકાશ મૂંગી ચીસ પાડે છે. બારીઓએ પોતાની આંખ ફોડી નાખી છે. શિરચ્છેદ કરેલા શબ્દોનાં પ્રેત અહીંતહીં અથડાતાં ફરે છે. અસંખ્ય મનુષ્યોનાં ટપકાં ભેગાં કરીને કોઈક કશીક નવી લિપિ ગોઠવવા મથી રહ્યું છે. અન્ધ સૂર્યની આંગળીઓ કશુંક ફંફોસી રહી છે. સાંજને છેડે પાછા ફરીને આપણેય આજે બારણાનું કડું ઠોકીશું? બારણું ખૂલશે? અંદર કોને જોઈશું? કદાચ ‘આવજો’ કહેતો નિ:શ્વાસ આપણા કાનમાં ગરજી ઊઠશે ને ફરી પવનના એક ધક્કાથી બારણાં વસાઈ જશે? સાંજને વખતે શેરીના દીવાઓની થરકતી જ્યોત ડાકણની જીભની જેમ લપકારા મારતી હાલી ઊઠશે? એ જીભ કયા શબ્દો ઉચ્ચારતી હશે? જળ પણ આજે ભયભીત થઈને નાસે છે. કોઈ આંધળો સાપ દર શોધતો દોડે તેમ આ જળ આજે ક્યાંક લપાઈ જવાને દોડી રહ્યું છે. વૃક્ષોની છાયાને સંકેલી લેવા મથી રહ્યું છે. ધૂળની ડમરી ચક્રાકારે ઘૂમતી ઘૂમતી કશાક અજાણ્યા મન્ત્રનું રટણ કરી રહી છે. વન ઉચાળા ભરીને ચાલી નીકળ્યાં છે. હમણાં જ શહેરનાં માથાં પર થઈને ચાલી નીકળશે. પગ વાળીને બેઠેલા ઈશ્વરને એક નાનું શું જન્તુ ‘આવજો’ કહી રહ્યું છે. એનો અવાજ સાંભળીને ઈશ્વરની આંખમાં આંસુ ઝમી આવશે?

આ બધાંની વચ્ચે આ તે શી માયા મને ફરી તારું નામ ઉચ્ચારવા પ્રેરે છે? આથી જ તો હું કહું છું કે તું મારા સમ્બોધનથી ક્યાંય દૂર જઈ શકવાની નથી. ચાલી જતાં ચરણો વચ્ચે હું બેઠો છું. પણ એ પદક્ષેપ તારા નામના ધ્વનિને ખણ્ડિત કરતો નથી. આથી જ તો આ સૃષ્ટિથી અળગા રહીને એનો વિષાદ હું જોઈ શકું છું. એ વિષાદને હું ભૂંસી નાખી શકતો નથી, માટે જ તો એને જિરવવા જંદિગીભર થોડા શબ્દો શોધતો રહ્યો છું. પણ એ શબ્દોથી તારી ને મારી વચ્ચે અન્તર પડે એવું મેં માન્યું નથી. આ સૃષ્ટિથી અળગા રહેવા છતાં એના જ સૂરજચન્દ્રનાં તેજ ઝીલવાં પડે છે ને? એ તેજને આધારે જ બધું ઓળખવું પડે છે ને? તારી આંખમાં પ્રતિબિમ્બિત થતી સૃષ્ટિથી હું તો સન્તોષ માનું, પણ તારી દૃષ્ટિને હું શી રીતે સીમિત કરી દઈ શકું? ને છતાં, મારા બે હાથની સીમાની બહાર તું જતી રહે છે ત્યારે કેવો અફાટ વિસ્તારભર્યો વિષાદ મારા હૃદયમાં ઘૂઘવી ઊઠે છે! જો એક વાર તું એને કાન દઈને સાંભળે તો મારાથી તસુભર દૂર થવાનું તું નામ નહિ દે. પણ માલા, જેમ જળનું બિન્દુ જળમાં એકાકાર થાય તેમ એકાકાર થવાની આપણી સાધના કદાચ જન્મોજન્મ વિસ્તરવાની હશે. આથી જ, અધીરાઈ છતાં તારાં ચરણ (ગૌર ચરણો – કેટલી બધી માયા છે મને એની)ની દિશા બદલવાનું દુસ્સાહસ મેં કર્યું નથી. તારો હાથ સૌ પ્રથમ મારા હાથમાં ઢળ્યો નહોતો, તારાં ચરણો સૌ પ્રથમ મારી દિશામાં વળ્યા નહોતાં એનું સ્મરણ પણ મારો આ જન્મનો એક શાપ છે. એ સદા મારી શિરામાં ધખ્યા કરે છે. પણ એથી મેં તને દઝાડી છે?