છેલ્લું પ્રયાણ/૪. જોખમની વચ્ચે જીવવાની મોજ


૪. જોખમની વચ્ચે જીવવાની મોજ

જ્ઞાનપ્રસારક મંડળીવાળું બીજુ, કે પછી ત્રીજું, વ્યાખ્યાન આપવા મુંબઈ જતો હતો. વઢવાણ જંક્શનથી એક સ્નેહીનાં પુત્રી અને એમનું ધાવણું બાળક સાથે થયાં. બીજો સંગાથ નહોતો, પણ હું ધરનો જ સથવારો સાંપડ્યો. સ્નેહીનાં પત્ની નચિંત બન્યા. કહે તાર કર્યો છે, જમાઈ સ્ટેશને આવશે. વળતી સવારે ગ્રાંટરોડ સ્ટેશને ઉતર્યાં, સામે કોઈ આવેલું નહોતું. બહાર નીકળી વિકટોરિયા કરી. આઠ જ આનામાં વિકટેરિયાવાળો મુસ્લિમ છેક ભીંડીબજાર આવવા તત્પર બન્યો! ગાડી ચાલી, માર્ગો મોટે ભાગે સુમસામ દેખાય, પણ કોઈ કારણ્ પુછવા-જાણવાનું ઓસાણ જ ન ચડ્યું. મહમદઅલી રોડ પર આવ્યા, તો પણ પરિસ્થિતિની વિચિત્રતા વિચારમાં ન આવી. વિકટોરીઆ છેક જુમામસીદ નજીકના એક બે માળવાળા મકાન પર જઈ ઠેરી, ત્યારે નજર પડી કે એ મકાનનું પ્રવેશદ્વાર બંધ છે, આજુબાજુ બધા માળા બિડાયેલા છે, મસાણ જેવો મામલો છે. માર્ગ પર સુનકાર છે, અવરજવર નામ નથી, છે ફકત, સામે ઉઘાડી પડેલી ભોંય ઉપર લજજતથી ચૂપચાપ બેઠેલ કાળાં કપડાંવાળા સોએક શખ્સોનું ટોળું. આડે દહાડે મજૂર હોય તે હુલ્લડમાં મવાલી બને છે. ‘કેમ કોઈ બોલતું કાં નથી ? અરે ખોલો!' જવાબ નથી જડતો. ગાડી થંભી ઊભી થઈ રહી છે. સ્નેહીનાં પુત્રી ખોળામાં બાળક સાથે હજુ વિકટોરીઆની અંદર છે. મારી નજર મકાનની બારીઓ પર પડી; એ બધી બંધ હતી. નજરે ચડતી ચડતી અગાસીએ પહોંચી ત્યારે દેખાયા ધોતિયાં ને ખમીસરભેર ખુલ્લે માથે ઉભેલા મૂંગા હિન્દુ મહોલ્લાવાસીઓ; એમાં આ બહેનના પતિને જોયા. કહ્યું: ‘અરે ઉઘાડો તો ખરા…બહેનને લાવ્યો છું.” જવાબ નથી દેતું કોઈ. મને મૂઢને પણ સમજ પડતી નથી પરિસ્થિતિની. થોડી વાર રહીને એ ભાઈ નીચે આવે છે, બારણું ખોલે છે, પત્નીને ને બાળકને સામાન સહિત ચુપચાપ અંદર લઈ લે છે, મને કશું કહેવા પણ થોભતા નથી. હું ગાડીવાળાને ભાડું ચૂકવી મારું બિસ્તર ખભે ભરાવી ચાલતો થાઉં છું. પેલા સોએક શખ્શો તાકતા ચુપચાપ જ્યાં બેઠા છે ત્યાંથી જ મારો માર્ગ છે. એમાંનો એક જણ મને ફક્ત એટલું જ પૂછે છે- ‘કેમ બાબુ, ઉપડાવવું છે બિસ્તર?' ‘ના,' કહીને હું મહમદઅલી રોડ પર ચડું છું.

એ જ ક્ષણે એક ભાડૂતી મોટરગાડી ત્યાં નીકળે છે. થોડેક જઈને એ ગાડી ઊભી રહે છે. અંદરથી ડોકું કાઢીને ડ્રાઈવર મને તદ્દન ધીરે અવાજે પૂછે છે: ‘ક્યાં જવું છે?' કહ્યું, ‘ધોબી ગલીમાં.' ‘બેસી જાવ ગાડીમાં.' ‘કેમ ?' ‘ખબર નથી? અહીં તો હુલ્લડ ચાલે છે. આ તો હુલ્લડનો અડ્ડો છે. આ બેઠા છે તેને જોતા નથી? હમણાં તમારું કામ કાઢી નાખશે.' મને સાંભરે છે કે પેલું ટોળું સળવળતું હતું. એ સળવળાટ તુરત શમી ગયો. અજાણયો ડ્રાઈવર, મને એકદમ ગાડીની અંદર લઈ ધોબી ગલીમાં ઉતારી ગયો. ત્યાં પણ વેરાન દશા હતી. નીચેના દરવાજા બંધ. ઉપર જોયું. ઊભા હતા મારા પિતરાઈ ભાઈ, મુંબઈના લોકસેવક ડૉકટર મેઘાણી અને ચાર ખેતાણી ભાઈઓ (જેઓ તે કાળે સ્નેહીઓ હતા, આજે નિકટના આપ્તજનો બન્યા છે). મોટરવાળાને એક રૂપિયો આપતાં આપતાં પૂછ્યું: ‘કેવા છો ?' ‘મુસલમાન.'

એ તો ગયો. માળો ઉઘાડી મિત્રોએ મને ઉપર લીધો, પછી પૂછ્યું: ‘જાણતા નથી ? હુલ્લડ ચાલે છે! ‘કહ્યુ કે “હું તો વગર જાણ્યે છેક મૃત્યુના મોંમાં પગ મેલી આવ્યો. કશી ખબર નથી. ગાડીવાળાની ચુપકીદીનો મર્મ હવે મને સમજાય છે. પણ એનો શું વાંક! પેલાં બહેનના પતિએ પોતાની સગી સ્ત્રી ને બાળકને લેવા ઊતરવામાં તો વિલંબ કર્યો, પણ લેવા આવીને મને તો શબ્દ સરખો ય ઉચ્ચાર્યા વગર ઝપાટાબંધ બારણાં બીડી લીધાં, ને પચાસેક મર્દો અગાસી પરથી એક હરફ વગર, મને નીચે એકાકી ને અસહાય અવસ્થામાં જોતા રહ્યા. પેલા ટોળામાંથી એકે પૂછ્યું કે, બિસ્તર ઉપડાવવું છે! બસ તે સિવાય કશો સંચાર પણ ન કર્યો. જરા છેટે જવા દઈ પાછળથી જે કરવું હતું તે કરી નાખત; પણ એક મુસ્લિમ ડ્રાઈવરે મને ઊંચકી લીધો. એમ કહેતો ઉપર જઈ જોઉં છું ચારેક જે ઘર હતા તેમાં સ્ત્રીવર્ગ અને બાળકો હાજર નથી! ‘એ બધાને વગેસગે કરી આવીને અમે મરદો જ અંદર રહી રાંધીને ખાઈએ છીએ. ઘરમાં જે કાંઈ છે તેના પર જ ગુજારો ચાલે છે આ ગલીમાં હિંદુ ધોબીઓ રહે છે, તેઓ મક્કમપણે અહીંથી હુલ્લડખોરોને વેગળા રાખી રહેલ છે અને અમારી સલામતીના ચોકીદાર બન્યા છે. તમે કેમ આવ્યા તે તો કહો!' ‘લોકસાહિત્યનું ભાષણ દેવા.' ‘અરે આજ તે કાંઈ ભાષણ હોતું હશે? તમને ખબર નથી આપ્યા એ લોકોએ ?’ ‘ના'. ‘પણ બંધ રાખ્યું જ હશે એ તો.' ‘મારે મંત્રીને પૂછી આવવું જોઈએ.' ‘ક્યાં ?' ‘ગ્રાંટરોડ પાસે પારસી કોલોનીમાં.' ‘શી રીતે જવાશે ?' મેં કહ્યું કે, “જવાશે. મારા ગજવામાં આ છે.” એમ કહીને મેં મારી પરવાનાવાળી રિવોલ્વર કાઢીને તે મારા યજમાનોને દેખાડી. તુરત સૌના મેં પર એક ચમક ચડી ગઈ અને ખેતાણી મણિભાઈ મારી સાથે ચાલી નીકળ્યા.

‘નહિ નહિ, વ્યાખ્યાન તો આજે સાંજે આપવાનું જ છે ‘મંત્રીનો એ જવાબ મળ્યો મને એ જવાબ ગમ્યો હતો, ખોપરીમાં એક ખુમારી ભરી હતી. જતાં ને વળતાં, પગે ચાલતાં જે સાંકડી ગલીઓ વટાવતા હતા ત્યાં ત્યાં મારો હાથ છાતીના ડાબા પડખા પર કબજાના અંદર ભાગની જેબ પર જતો હતો. કેટલો, રોમાંચક એ સ્પર્શ હતો! ગિરનાં પરિભ્રમણમાં મારી સાથે ઘુમેલી નાનકડી રિવોલ્વરનો એ સ્પર્શ દેહમાં નખશિખ નવલું સ્પંદન જગાવતો હતો. આજે સમજુ છું, કે હું હુલ્ડલખોર ટોળાની વચ્ચે ઘેરાઈ ગયે આ રિવોલ્વર એના માલિકનો જાન બચાવી તે ભાગ્યે જ શકી હોત, છતાં એને હાથમાં લઈને ઘોડો ચાંપતો ચાંપતો છ ગોળીબાર કરી લીધા પછી પટકાવાની એક મોજ પડી હોત, અથવા કદાચ એક દગલબાજ છૂરીના સપાટાએ આ હથિયાર બહાર કાઢવાનો યે સમય ન આપ્યો હોત. તે બધું આજે તે સ્પષ્ટ સમજાય છે. તે દિવસે દિલમાં રંચ માત્ર ફફડાટ ન હતો. મુકાબલાનો મોકો મળતાં, કતલખાનાના બકરા પેઠે નહિ જ મરવું પડે એ એક મિજાજ મનના છિદ્રોને ભરી રહ્યો હતો. ‘Live dangerously : જોખમના ભય વચ્ચે જ દમ ઘૂંટો, દોસ્તો!' એ સુભાષચંદ્રનું સૂત્ર આજે લાખ કલેજાને સર કરી ચૂકયું છે એમાં આશ્ચર્ય નથી. તે દિવસની સહચરી રિવોલ્વર આજે છાતીસરસી નથી રહી, છતાં એની યાદ પણ થીજેલા લોહીમાં થોડો અગ્નિરસ સીચે છે. વ્યાખ્યાનમાં પ્રમુખ ને મંત્રી, સ્ત્રીઓ ને પુરુષ બધાં બરાબર આવ્યાં. રાતે વ્યાખ્યાન બરાબર પતાવી કાઠિયાવાડ મેઈલમાં મુંબઈ છોડ્યું. તે પછી હુલ્લડ વધુ સળગી ઊઠ્યું. આ વ્યાખ્યાનોનો સારભાગ સાપ્તાહિક “સોરાષ્ટ્ર"માં પ્રકટ થતો. એ રજકણોના વિસ્તરણનું વતુંર્લ ઘણું પહોળું હતું, પણ એનો પડઘો એક દિવસ જે દિશાએથી આવ્યો તે તે અણચિંતવી દિશા હતી. પાંદીચેરી ખાતેના શ્રી. અરવિન્દ ઘોષના આશ્રમમાંથી એક કાગળ આવી પડ્યો. લખનારનું નામ તો વળી વિશેષ અણધાર્યું નીકળ્યું. ગુજરાતના યોવન-લોખંડને વીરશ્રીની એરણ પર ટીપનાર શ્રી. અંબુભાઈ પુરાણીની નામના સાંભળી હતી. પણ મર્દાઈને કસનાર એ આદમી પાસેથી લોકસાહિત્યના રસની ધારણા રાખવા જેવું કંઈ કારણ નહોતું. વળી અમે બેઉ તો પરસ્પર બિલકુલ અજાણ્યા, એટલે કાગળ વાંચી કૃતાર્થતા લાગી. વ્યાખ્યાનની ભૂલોને નિર્દેશતો એ કાગળ પ્રેમથી અંકિત હતો. એ કાગળ તો ખોવાયો છે, પણ એમાંની એક વાત યાદ છે. હાલરડાંના સ્વરમાધુર્યની લાક્ષણિકતા ચર્ચતાં મેં કથેલું કે “ળ” અક્ષર સંસ્કૃતમાં નથી; હાલાં ગાતી લોકજનેતાના કંઠમાંનું એ મૌલિક આવિષ્કરણ હોવા સંભવ છે. અંબુભાઈએ લખ્યું કે, “ળ” તો વેદમાં મોજૂદ છે. મારે માટે એ ભણતર જરૂરી હતું. પછી બીજો કાગળ આવ્યો. જીવનદષ્ટિનું ધરમૂળથી પરિવર્તન કરીને ગુજરાતની બહાર જઈ બેઠેલા પ્રવાસી જે એક સાધક, ગુજરાતના બીજા અગણિત જીવનપ્રવાહના ભરતીઓટ પ્રત્યે દૃષ્ટિપાત પણ નથી નાખતા, તેના ચિત્તતંત્રમાં રાંક લોકસાહિત્ય કેવું સ્પન્દન જગાડી જાય છે તે વિચિત્ર વાતનું દર્શન કરાવનાર હોઈને જ એ પત્ર અત્રે ટાંકયો છે. સ્નેહ ભાઈશ્રી, મોકલેલ ત્રણ પુસ્તકો અને પત્ર મળ્યાં. હું એક તો એકેશ્વાસે (કે એકીટસે ?) વંચી ગયો પણ ખરો. એ ત્રણેના વિષય પરત્વે વિવેચન લખવા માટે હું બીજી કેટલીક વખત વાંચીને જણાવીશ. લોકગીતોની પિછાનવાળા ત્રણ લેખો અને આજે “સૌરાષ્ટ્ર"માં અત્રેથી (તેનો) ચોથો હપ્તો મળીને ચાર લેખો જોયા. લોક-સાહિત્યના વિષય ઉપર મારા વિચારો છેવટે જણાવવા ઉચિત લાગે છે. હાલ તુર્ત તો તમે જે કાપલીઓ પેપરના ત્રણ-ચાર હપ્તાની મોકલી છે તેમને વિષે જણાવું છું. જુએ પા. ૬૫૫ : “સાવ રે સોનાનું મારું પારણિયું, ઘૂઘરીના ઘમકાર, બાળા પોઢોને રે.” એ ગીત છે તે જ પ્રકારનું એક બીજું શિષ્ટ ગીત (પરંતુ લોકમાં સહેજે આદર પામે તેવું) મને યાદ આવે છે તે આપને જણાવું છું. તે આખું યાદ નથી, પરંતુ પ્રથમ લીટી ઉપરથી તમે તેની શોધ સહેલાઈથી કરી શકશો. તે કોઈ પુસ્તકમાં છપાયેલું મેં જાતે જોયેલું પણ છે. ખેર! છેવટે તમે પુસ્તક કે કોઈ માણસ તેનો પત્તો ન જ મેળવી શકો તો, કુમારી યશલક્ષમી (કવિ નાનાલાલનાં ભત્રીજી)ને લખી પૂછાવશો તો જરૂર તે મળશે કારણ કે તેમને આ ગીત મોઢે છે અને મેં સાંભળેલ પણ છે. (તા. ક. આ પત્ર પૂરો કરીને “હાલરડાં” જોઉં છું ત્યાં પા. ૩૯ ઉપર આ જ ગીત બિરાજે છે. મારી આખી સૂચના નિરર્થક ગણીને બાદ કરશો. મને એમ લાગે છે કે મેં જોયેલું ગીત આના કરતાં કાંઈક વધારે લાંબું હતું. વખતે ખાલી ભ્રમ પણ હોય! આપણું જ્ઞાન કેટલું અધૂરું હોય છે? તમે તે છાપેલું તેની પણ મને ખબર નહિ!)

સોનાનાં બોર!
ઝૂલે નંદ…કિ….શોર.
પ્યારાને પારણિયે સોનાનાં બોર!

​એ ગવાય છે ત્યારે બહુ જ સુંદર લાગે છે. ‘નંદ'પદ છૂટું પાડીને ‘કિ; જોડે લેવાય છે અને ‘શોર' ઠીક ઠીક લંબાય છે એટલે ઊંઘ લાવવાનો ગુણ તેનામાં આવે છે. (૩) બાળકને ચાલતાં શીખવવાનું તમે ટાંકેલું— ‘પા! પા! પગલી!’ એનો જ બીજો પાઠ મેં ગુજરાતમાં સાંભળ્યો છે અને તમે પણ જાણતા હશો. પરંતુ એ બોલો બાળકને ચાલતાં શીખવવા માટે નહિ પરંતુ માના કે બાપના, એવા કોઈ વડીલના પગની પાનીઓ ઉપર ઊભાં રાખીને બે હાથે તેનાં આંગળાંએ પકડીને ઉછાળતાં ઉછાળતાં બોલવામાં આવે છે?

‘પાવળો પા!
મામાને ઘેર– ⁠જમવા જા! ⁠મામાએ……..આપી’

વગેરે. આગળ હું ભૂલી ગયો છું પરંતુ મામા ઉપર હેત અને મામી ઉપર કટાક્ષનો ભાવ તેમાં રહેલો છે એટલું મને યાદ છે. તમને ઠીક લાગે તો એને કોઈ સ્થળે ઉપયોગ કરશો. (૪) પા. ૬૯૫માં “ચણ ચણ બગલી ચણાની દાળ, હું પોપૈયો, તું મગ દાળ, એ છે તેને અર્થ નીચે પ્રમાણે હોઈ શકે ? ‘કેવળ મારો પોતાનો અંદાજ અને કાંઈ અંશે સટ્ટો જ છે​ ‘હે બગલી તું ચણાની દાળ ચણ— હું-[ચણાના પોપટાને કદાચ પોપૈયો કહેવાયો હોય, એ સાંભળેલ છે?] ચણાનો પોપટો (લીલા ચણાનું ફળ). ખાઉં અને તું મગની દાળ ખા! (૫) પા. ૬૯૫

‘છોકરાવ રે!
⁠હો રે
વોરો આવ્યો.

વગેરે છે તેવું જ બાળકીઓ સઘળા ય ગુજરાતમાં ગાતી તે મને યાદ આવે છે. તમે તે ન જાણો એ બનવા જેવું નથી જ, છતાં હું લખું છું.

ઓ લાછા કુંવર!
ઓ લાછા કુંવર—
તમે કેટલાક ભાઈ કુંવારા રાજ-
⁠અચકો મચકો કારેલી!

આ લીટીઓ બોલતાં પહેલાં બાળાઓ હાથની સાંકળ એકબીજાને ગળે અથવા તો કમર ભેરવી સીધી લીટીમાં (કતારમાં) બે સામસામી હારમાં ઊભી રહે છે. પછી ગાવાનું શરૂ કરી એવાં પગલાં ઉપાડે કે “અચકો મચકો" લીટી આવે ત્યારે સામી હારની છેક પાસે જઈ પહોંચે એ પ્રમાણે બોલી રહે અને પોતે પાછે પગે મૂળ જગાએ આવે. એટલામાં તો સામી હાર ગીત ઉપાડીને ઉત્તર આપે –
‘અમે આટલા ભાઈ કુંવારા રાજ—
‘અચકો મચકો કારેલી’
પછી પહેલી હાર પાછી પૂછે—
તમને કિયાં બ્હેન ગોરાં ગમશે રાજ!
અચકો મચકો કારેલી.

ઉત્તરમાં— અમને અમુક બ્હેન ગોરાં ગમશે રાજ [હાજર હોય તેમાંથી જ ઘણે ભાગે, પરંતુ કોઈનાં ગેરહાજરનાં નામો પણ મુકાય છે.] અચકો મચકો કારેલી. પાછાં પૂછે— એ કાળીને (કે ઊંચીને કે જાડીને વિગેરે વિશેષ મુકાય છે)– શું કરશો રાજ! અચકો મચકો કારેલી!- આ ગીત આખું [સળંગ] તમને મળી શકશે એવી આશા રાખું છું. તે વિષે જણાવવાની એક બે બાબતો નીચે પ્રમાણે:- ‘લાછા'–“લક્ષણ” ઉપરથી હોઈ શકે? ‘અચકો મચકો કારેલી” એ લીટીના અર્થ વિષે ઘણું ચર્ચા પૂર્વે થઈ હતી. નીચે પ્રમાણે અર્થ સ્વીકારવા જેવો ગણાયલો. આજ કહો, મુજકો, કાં રહેલી ? અચકો, મચકો, કાં રે ‘લી! ​અર્થાત્ (૧) હે સખી, આજે મને કહે કે તું કયાં રહી હતી ? (૨) ઓ અલી! આટલો મરડ કાં કરે છે? આ અર્થ છેવટનો તો ક્યાંથી ગણાય? પરંતુ વિચાર કરવા જેવો તો છે જ, કારણ કે બીજો બંધબેસતો કયો અર્થ છે? જાણતા હો તો મને જણાવશો. તેવું જ એક બીજું કાંઈક કરુણાની આછી છાયાવાળું પણ કાઠિયાવાડમાં [હું જામનગરમાં મારું બાળપણ રમ્યો છું] સાંભળેલ યાદ આવે છે–તે નીચે પ્રમાણે છે : અરર! માડી રે! કાળી તે કાળનો કાંટાળો વિછૂડો! ⁠હંબો! હંબો! વિછૂડો! અરર! માડી રે! કઈ વહુને ચટકાવ્યો, મા, વિછૂડો! ⁠હંબો! હંબો! વિછૂડો! આગળનું મને યાદ નથી. તમને ઠીક જેવું લાગે તો મેળવી શકશો એમાં ગાવાની રીત એવી છે કે બાળાઓ ગોળ હારમાં હાથ જોડીને ફરે. અને વચમાં એક બાળા જમીન પર બેસી આખા ચક્રમાંથી એક પછી એક બાળાની ઘાઘરીનો છેડો ઝાલીને બોલે અને આખું ચક્ર તો ‘હંબો! હં(ભો ?) હબો વિછૂડો ‘ઝીલે અને ગોળ ગોળ ફરે. વિછૂ પગે ચટકાવે તેનું કાંઈક સૂચન કરવા માટે એ પ્રમાણે વચલી બાળા કરતી હશે એવું મને લાગે છે. કારણ કે ઘાઘરીનો છેડો પકડીને પગ ઉપર કઈ વાર ચૂંટી પણ દેવામાં આવે છે એમ મને સાંભરે છે. ​(૬) પા.૬૯૬ વાવડીનું પૈયું, રામ રામ કૈયું. એવી જ જાતની જીભને સ્પષ્ટ બોલવા માટે ઉપયોગની શબ્દતરકીબેમાંની એક બે યાદ આવે છે તે સૂચવું છું:– કોકડી પર બોકડી ચઢી. ઉતર બોકડી કોકડી ખઉં. કોકડી પર……… આ લીટીઓ ખૂબ ઝપાટાભેર બોલવાની હોય છે અને બોલનારાઓમાંથી ભૂલ ન કરે એવા તે ભાગ્યે જ નીકળે! ભૂલના અંતમાં હાસ્યરસ કેવો નિર્દોષ છે! કારણ કે ભૂલ કરનાર છેવટે “બોકડી ખાવાનો! ‘કોકડી પર બોકડી ચઢી, ઉતર કોકડી બોકડી ખાઉં!” એમ બોલી જવાય. એવી ભૂલ થાય એટલે આખુ'ય ટોળું હસી પડે! અને બોકડી ખાનાર બંધ રહે અને બીજે શરૂ કરે! તેવું જ એક બીજું— કાચો પાપડ— પાકો પાપડ. ઉતાવળે બોલવાથી કેવી ફજેતી થાય છે તે જેવી હોય તો જાતે પ્રયત્ન કરી જોવો! (૭) પા. ૨૯૬ થી— ‘આવરે વરસાદ' વિગેરે છે. તેમાં નીચેનું પણ તમને યાદ છે હશે. છતાં સૂચવું છું: ​ ચાંદા મામા પોળી, ઘીમાં ઝબોળી, સૌ છોકરાંને કકડી પોળી, ભાઈને આખી પોળી, હ….પ્પા આમાં પણ તમે જાણતા હશો કે નાના બાળકને ચાંદનીમાં બેસાડી (કે ચાંદની વખતે ખેાળામાં બેસાડી) નાની હથેળીને પહોળી કરી મા કે બાપ તેમાં આંગળી વડે ગોળ્ ગોળ કુંડાળાં કરે છે (જેથી ગલી થાય છે) અને છેવટે હ… પ્પા” બેલતી વખતે તેની નાની હથેળી તેના મોઢા તરફ લઈ જઈ ખાલી ખાલી ખાવાનો અભિનય કરે છે. ( કદાચ બાળકને ખાવાનું શીખવવા માટે એ રમત કામની હશે?) (૮) તેવી જ એક બીજી રમત: કોની ગાય?— બાળકની આંગળીના વેઢા ઉપર આગળીનો આગલો ભાગ મૂકી જો ભાઈ (કે બહેન), આ તારી ગાય, આ તારા બાપાની ગાય.” એમ ગણાવતાં ગણાવતાં ચારે આંગળીઓ પૂરી થાય એટલે પછી ‘એ ગાયોનો ગોવાળ કયાં ગયો? ક્યાં ગયો?’ એમ બોલી ઝડપથી હાથની આંગળીઓને બાળકના ખુલ્લા હાથ ઉપર ખૂબ ધીમેથી સ્પર્શ કરીને જલદી જલદી આગળ લઈ જાય અને છેવટે બગલમાં લઈ જાય ત્યારે બાળક ખૂબ જોરથી હસી પડે. ગલી થવાને લીધે–એમાં ગલીનો sensation છેક હથેળીમાંથી શરૂ થતો હોય છે અને હાથ ઉપર ધીમે ધીમે આંગળીઓ જતાં ખૂબ વધી જાય છે અને બગલમાં જતાં તો અસહ્ય થઈ પડે છે. એ રમતમાં આંગળીના વેઢા ગણવાના અભ્યાસનો આરંભ હશે?-નિર્દોષ હાસ્ય તો છે જ છે! પા. ૭૩પ : ઉખાણાંનો પ્રકાર: મધ્યકાળની સંસ્કૃત કૃતિઓમાં ચમ્પુ વિગેરેમાં પણ મળી આવે છે. તેનું મૂળ સંસ્ક્રુતની ‘પાદપૂર્તિ' ઉપરથી હશે? કારણ કે એક ચરણ આપીને બાકીનાં પૂરાં કરવાની પ્રથા ઘણું પ્રાચીન છે. તેમાં કેવળ કવિતાનો જ ભાવ પૂરવાનો હોય એવું ન હતું. તેમાં પણ આપણાં ઉખાણાના જે પ્રકાર (નિરાળો) હતો. તેનો એક જ પૂરાવો આપીશ..

तक्रं शकस्य दुलर्भम

છાશ ઈન્દ્રને પણ દુર્લભ છે. એની પૂર્તિની કંઈક નીચે પ્રમાણે ખંડિત સ્મૃતિ રહી છે તે જણાવું છું—

भोजनान्ते किं पेयम
अमरापुर क्स्य(આ લીટી ભૂલી ગયો છું.)
मोक्षपदं किद्रशम
तक्रं शकस्य दुलर्भम

ભોજનને અંતે શું પીવું ? तक्र=છાસ ઈન્દ્રાપુરી કોની शकस्य=ઈન્દ્રની. મોક્ષપદ કેવું? – दुर्लभम. એ પ્રમાણે મયકાળના આપણું રજપૂત અને બ્રાહ્મણ સંસ્કૃત (કાવ્યો? ) ઉખાણા બનાવતા. તેનો એક દાખલો: – लक्ष्मीवत कृत कूर सूरण: દહિ, દૂધ: ક્ષમા પાપડી; વિગેરે. બીજો– भैया जलेबी खवा –એનો સંસ્કૃત અન્વય અને અર્થ જુદો થાય છે! પા.૭૩૫ : ‘ચાંદા ચોળી' ને બદલે મેં આગળ જણાવ્યું તે ગીત પણ પ્રચારમાં છે તે તમે જાણતા હશો. ‘ચાંદા મામા પોળી ‘વિગેરે. પા. ૭૩પ ને છેડે ‘ગા રે ગા!' છે તેવું જ-- ગણપતિ દાદા મોરિયા! ચાર લાડૂ ચોરિયા [કે ઓરીઆ ?] અને સરસ્વતી! સરસ્વતી! તું મારી માં! એ બે છે. મને પૂરાં યાદ નથી. અમે નિશાળે ભણતા ત્યારે શબ્દનાં ઉખાણાં અંગ્રેજીમાં પણ મશ્કરી અને મઝા કરવા ઘણાયે બનાવેલાં. બધાં તો નથી લખતે પરંતુ એક જણાવીશ. કોકઈ પણ નવા આવનાર વિદ્યાર્થીને જઈ ને પૂછવામાં આવે–સી એ ડબલ એલ ઈ ડી'-એ પ્રમાણે સ્પેલિંગ જોડણી વાળા શબ્દને ઉચાર શ? કેલેડ કે સેલેડ? જાતે જ બને ખોટા ઉકેલ જણાવી તેને ફસાવીએ, સામાન્ય રીતે તે એ બેમાંથી એક જ પસંદ કરે. બધા હસે. બાળકને અંગ્રેજી ભાષાના ઉચ્ચારોની સ્વચ્છંદતાની ગમ ક્યાંથી હોય? અને શા માટે હોય? કોણ શંકા કરે કે એનો તો સામાન્ય ‘કૉલ્ડ' ઉચ્ચાર છે આજે તા. ૧૨મી માર્ચને દિને આવેલ ‘સૌરાષ્ટ્ર'માં ચોથો હપ્તો જોયો તેમાં પા. ૮પપ ઉપર ‘સૂરજ ઊગ્યો ‘એ સુંદર ગીત છે; એનો એક બીજો પાઠ મને યાદ છે તે જણાવું છું-- સૂરજ ઊગ્યો રે આંબા કેરી ડાળે કે વા'ણે આભલાં વાયાં છે! ‘વેણલાં ભલે વાયાં રે” એ ચરણનો અર્થ હું બેસાડી શક્યો નથી. તમે જણાવશો ? એનો પાઠ પણ છે: ‘વાણેલાં ભલે વાયાં રે'. આ પાઠનો અર્થ સરળ અને સાહજિક છે. બીજો પાઠઃ ‘વાણલાં ભલે વાયાં રે! વા'ણે આભલાં વાયાં રે!…' વહાણામાં (પ્રભાતે) આભમાં (વાદળાં) વાયાં રે!–પ્રસવ થયો. મને આમાં કલ્પના વધારે ઉચ્ચ લાગે છે! તમને ફક્ત માહિતી માટે એની ખબર કરું છું. (લગ્ન) સહભોજનનાં સુંદર ગીતો સૂરતમાંથી મળશે એમ મને લાગે છે આટલો લાંબો કાગળ પૂરો કરું છું. મને ટૂંકામાં લખવાનો અભ્યાસ નથી પણ ધીમે ધીમે શીખવાનો વિચાર છે. આ સૂચનાઓમાંની ઘણી ખરી તો ‘નંદકિશોર' ના ગીતની પેઠે કેવળ પિષ્ટપેષણ જ હશે! છતાં મોકલાવી છે. ઉપયોગી હોય તો વિચારી જોશો બાકી એમાંનું ઘણું ખરું તમારી પાસે સંગ્રહમાં ન હોય એ કયાંથી બને? પત્ર લખશો. ઉપલા કાગળમાં માણસની શિશુકાળ સુધીની ઝીણી ઝીણી સ્મૃતિઓને અજવાળનાર લોકસાહિત્યનો પ્રભાવ પ્રતીત થાય છે. મારા પ્રમાદને લઈને શ્રી પુરાણી સાથેનો પત્રવ્યવહારદોર તૂટી ન ગયો હોત તો મને એમની પાસેથી ઘણું જડ્યું હોત. માનવીના હૈયાંને ખંભાતી તાળાં હોય છે. લોકસાહિત્ય એની એક ચાવી હતી. મેં એ ચાવીના પૂરા આંટા ફેરવ્યા નહિ.

મનોગત ટાંચણની તપાસ, મુંબઈની વ્યાખ્યાનમાળાની પૂર્ણાહુતિને અંતે, મને મચ્છુકાંઠે દોરી જાય છે. મોરબી શહેરના એક અમીરી મકાનની મેડી પર બેઠો બેઠો, દોઢસો બસ સોરઠી જુવાનની પંગતમાં ગાંઠિયા ને ગોળ ખાતો ખાતો હસું છું: રે મૂરખ! અહીં તને કોણ લઈ આવ્યું? તારું તે શું આ સ્થાન છે? રાતો રાત ઊભી કરવામાં આવેલી આ ‘કાઠિયાવાડ યુવકપરિષદૂ' એવા ઠસ્સાદાર નામવાળી કાગળ-શાહીની બનેલી જમાતમાં તું ક્યાં ઘાયે ચડી ગયે? તારી વિચાર સંપત્તિ શી? તારી તમન્ના કેટલી? તું કયા બિરુદ પર કટકા થઈ જવા તૈયાર છે? તું સિપાહી છે કે તમાશબીન છે ? તમાશબીન સ્તો! ‘ર૯ની સાલનો એપ્રિલ મહિનોં હતો. મુરખા બનવા બનાવવાનું પરદેશી પર્વ હતું. કાઠિયાવાડ રાજકીય પરિષદની બેઠક મોરબીમાં મળતી હતી. પંગૂ માનવીઓના આ વાર્ષિક મેળામાં વારે વારે ઉરવરાળો નીકળતી. એક રાજ્યમાં બીજા રાજ્યોની કોઠી ધોવાઈ કાદવ કાઢવામાં આવતા. કોઈ રાજ્ય આ મેળો ભરવા દેતું નહોતું. એથી મહાત્માજીએ પરિષદને મોઢે કેટલીક મર્યાદાઓ મુકાવી હતી. એવી મર્યાદાયુક્ત પરિષદને નાપસંદ કરનાર થોડા જુવાનોએ આ યુવકપરિષદનો સમારંભ કરી ‘મોરબી સામે મોરબો' એ ન્યાયનો મોરચો રાજકીય પરિષદની સામોસામ રચવા ધાર્યું હતું. તમાશો વગર-અધિવેશને વીખરાયો, ગોળ-ગાંઠિયા ચાવતા ઘર ભેળા થઈ ગયા, ને મેં સીધી જુનાગઢની ગાડી પકડી.

કાગળ પરનું ટાંચણ અહીંથી જારી થાય છે – ‘ટ્રેનમાં તા. ૧પ-૪–૨૯ : માંગડો. આષાઢને આંબે, ⁠લૂંબુ વાળા! લાગિયું; એક જ વાર આવ્યે, ⁠મેળા કરવા માંગડા કોઈકના વિલાપના દુહા: જીવતા જનને નહિ પણ મુએલાને બોલાવે છે કોઈક: મુએલાને જ નહિ પણ મુઆ પછી પ્રેત બનેલાને બોલાવે છે–પાટણના નગરની નગરશેઠ​ પુત્રી પદ્મા. પોતાના જોબન–આંબાને લૂમો તો લાગી છે, પણ ‘આષાઢને આંબે' એ કઈ રીતે? કળ પડતી નથી. પદ્મા બોલાવે છે માંગડાવાળા નામના જોદ્ધા જુવાનના પ્રેતને. સોરઠી કથાસાહિત્યમાં સૌથી નિરાળી ને વિલક્ષણ એવી ભૂતના પ્રેમની વાર્તા સૌ પહેલી હડાળે દરબારશ્રીની પાસેથી સાંભળેલી, અને પોતે વારંવાર જે એક દુહો બોલી ઊઠે છે તે હૈયે રહી ગયેલો વડલા! તારી વરાળ ⁠પાને પાને પરઝળી, ‘કિસે ઝંપાવું ઝાળ, ⁠(મને) ભડકા લાગે ભૂતના. એ વાર્તા તા. ૧૫-૪-૨૯ને પહેલે પરોઢિયે ચાલતી ટ્રેનમાં કોણ કહી ગયો એનો નામોલ્લેખ તો નથી, પણ દુહા છે. ખાંડાબાંડા જેવાક થોડા. એ વાર્તામાં વડલો લગભગ એક પાત્ર જે બની ગયો છે. પહેલેથી છેલ્લે સુધી વડલો વાર્તાનો મધ્યસ્થંભ છે. ગામનું ગૌધણ વાળી જતા શત્રુઓની વાંસે જુવાન માંગડો ઘોડો દોટાવે છે, પણ લુંટારુઓનો સામનો કરે તે પૂર્વે તે વડલા સાથે એનો શિરપેચ લપેટાઈ જાય છે, એટલે શત્રુઓ એને ઠાર મારે છે. ટ્રેનમાં ભેટી જનારનો કહેલ દુહો ટાંચણમાં છે વડલે વીંટો લે' ⁠સોનેરી સરપાધનો. આહરો બાયલ આવે ⁠માર્યો છેલ માંગડો. ​વડેલે મુઓ, પણ વાસના રહી ગઈ –પ્રીતાળ પદ્માને વિષે. વાટમાં વૈશ્ય-કન્યાને કહીને આવેલો કે અબઘડી પાછો વળું છું. વાસના પ્રબળ હતી, માંગડો વડલે પ્રેત બન્યો. પછી એક દિવસ પદ્માને પરણવા જતા વણિક વરની જાન વડલા હેઠળથી નીકળી પોરો ખાવા રોકાઈ ત્યારે વડલા પરથી લોહીનાં ટીપાં ટપક્યા. વોળાવીઆ રાજપૂતે અચરજથી ઊંચી નજર કરી. ભૂતને દીઠો. બેઠો બેઠો, રુદન કરતો એક નવજુવાન બોલે છે:– સો રોતો સંસાર, ⁠(એને) પાંપણીએ પાણી પડે, ભૂત રુવે ભેંકાર, ⁠(એને) લોચનીએ લોહી ઝરે. હું માંગડો! ચિરાગ્નિમાં સળગું છું નિરંતર. આ અવગતમાંથી છૂટવું છે. માર્ગ એક જ છે. પદ્મા સાથે પરણવા દો, વણિકો! પાછા ફરીને હું અહીં રોકાઈ જઈશ. પીડનકારી કોઈને નહિ બનું. પછી તો— વેવલી વાણિયાની જાત, ⁠કાંઉ સમજણ કરે? માજન વરાહ માંગડો ⁠ફૂલેકાં ફરે. એ દુહા પ્રમાણે બન્યું. વાણિયાએ પોતાના કદરૂપા વરને સ્થાને આ રૂપાળા જુવાનને (ભૂત છે એ જાણ્યા વગર સ્તો!) કામચલાઉ વર બનાવ્યો, માજન (વણિક) વરાંહે (બદલે) પ્રેત પદ્માને પિતાઘેરે ફૂલેકું ફર્યો, પરણ્યો, પાછો માર્ગે વડલે આવતાં ઠેક દઈને ઊતરી. ભડકા રૂપ વડલામાં ગાયેબ બન્યો. પણ પદ્માએ તો એને પ્રીછ્યો હતો. એનું સ્થાન સાચા વરે લીધેલ જોતાં જ એ પણ ઠેકીને નીચે ઊતરી પડી. સદાને માટે એ સ્ત્રીએ વડલાને જ પોતાનું સ્થાનક બનાવ્યું. આ રસિક–ભયંકર કથાને સવિસ્તર મેં આલેખી છે, (સૌરાષ્ટ્રની રસધાર ખંડ પાંચમામાં. ) પણ એ માંગડાની પ્રેમવાર્તામાં તો ફણગાં ને ડાળાં એક કરતાં વધુ કૂટ્યે ગયાં છે. માંગડો ઠેકાણે ઠેકાણે પ્રેતરૂપે દેખા દેતો હોવાનું આ વર્તમાનમાં પણ લોકો કહે છે. ગીરમાં અમે કંટાળા ગામે ગયા હતા, ત્યાં નદીને પાર, સામે જ ‘માંગડાનો ડુંગર' નામે ઓળખાતો વિશાળ ડુંગર છે. એ કંટાળા ગામમાંથી થોડાં વર્ષો પૂર્વે એક ચારણ, યજમાન ગરાસદાર રામ નોળને ઘેરથી સાંજવેળા બીજે ગામ જવા નીકળેલ. વળતા પ્રભાત એણે પાછા આવી દરબારનો આભાર માન્યો પૂછ્યું કે ‘શી, બાબત ગઢવા? ‘કે ‘રાતે તમે માંગડાને ડુંગરે મને અફીણનો મોટો ગોટો દઈ મેલ્યો બાપ, તે માટે.' એમ કહીને અફીણનો મોટો ગોટો બતાવ્યો. નીરખીને દરબાર ચકિત બન્યા. કહે કે ‘ના ભૈ, મેં તો મોક્લેલ નથી.' ગઢવો કહે કે, ‘માર્ગે મને અફીણનો ઉતાર આવી ગયો, ડાબલી ખોઈ બેઠો હતો. ટાંટીઆ ઘસતાં રસ્તો ભૂલ્યો, રાત પડી ગઈ એ ટાણે ધોળાં વસ્તરવાળા એક જુવાને આવી આ ગોટો દેતે દેતે કહ્યું, કે લ્યો ગઢવા, રામ નોળે લઈ મેલ્યું છે.' સાંભળીને સૌને થયું કે, ‘નક્કી માંગડાવાળો! ‘

​ ગઢવાએ યજમાનને કુલાવવા ટોડો માર્યો હોય કે ચાય તે હોય, માંગડો ડુંગર, ધાંતરવડી નદી, ધાંતરવડ ગામ, વગેરે પ્રદેશમાં માંગડાનો પ્રેતાવતાર અદ્યાપિપર્યત ચાલુ હોવાનું બોલાય છે. પૂછે કે, ‘પણ એનું કારણ શું?' જવાબ જડશે કે, ‘પ્રેમવાસના એની એટલી બધી પ્રબલ હતી કે હજુ એનો છુટકારો થયો નથી ‘મારા તે રાત્રિના દુહા કહેનારે એક કહ્યો તે દુહો પણ એવી જ કઈક ઘટનાને સૂચવે છે : ઢૂંઢો ઢાઢી ઢાંકનો, આવ્યો વડલા માંય; માંગડે પાણી માગિયું, જીવ અસર ગત જાય. ઢાંક ગામનો કોઈ ઢૂંઢો નામે ઢાઢી (યાચકની એક જાત ) વડલે આવ્યો, માંગડે મરતાં મરતાં એની કનેથી પાણી માગ્યું, એ નહિ મળ્યું હોય, તેથી જીવ અવગતે ગયો. લોકસાહિત્યમાં વાસનાદેહી પ્રેતપાત્રોનું ગંભીર નિરૂપણ કરતી આવી વાર્તાઓ એક પ્રકાર લેખે સંગ્રહિત કરી લેવા જેવી છે. ભચાનક કે બીભત્સ રસની નહિ પણ વીર કે કરુણની દષ્ટિ રાખીને આ કામ કરવું જોઈએ. ચળીતર, વ્યંતર કે ભૂતડાકણનાં વાર્તાનો પ્રકાર આથી જુદો પાડવો જોઈએ.

જૂનાગઢની આ ખેપમાં ભારે ઉતારો ને આશરો ત્યાંના પોલીસ ઉપરી શ્રી છેલભાઈને ઘેર હતો. આગળ કહી ગયો છું કે પોલીસખાતાનો નીચલા નોકરોનો બેડો એ જૂની જૂનીવાર્તાઓને શોધવાનું સારું ઠેકાણું છે. નીચલા થરના એકેએક વર્ણનાં માણસો સીધા ધરતીને ખોળેથી સિપાહીગીરીને શરણે આવ્યા હોય છે. કોઈ હળ હાંકતો, કોઈ ધોરીની રાશ હેઠી મેલી દઈને, કોઈ ગૌધણની લાકડી ફગાવી, કોઈ જુગાર ખેલતો બ્રાહ્મણ, કોઈ ઠાકરદુવારાની પૂજામાં ન જંપી શકેલો બાવો, કોઈ કજાડો મિયા, તો કોઈ જુવાનીમાં ભુજાઓ ફાટતી હોય છતાં ગ્રામજીવનમાં જેને એ ભુજબળ ક્યાં જોતરવું એની કળ ન પડતી હોય તે પીડનકારી બનેલો કાંટીઓ, કે રંગભંગી, બાવાસાધુઓની જોડે ગાંજાની ચલમો ચસકાવતો, પાણશેરડે બેસી રહેતો, ખેતરોના સીમાડા સારુ લાકડીએ આવતો ફાટેલો કાઠી ગરાસીઓ: એવા એવા કેકને માટે રસાલા અને પોલીસબેડા આખરી આશરાસ્થાનો બને છે. એની ભુજાઓના મદને બંદૂકો પરેડ-કવાયતો ગાળે છે. માતેલા સાંઢ હોય તે ઉદ્યમી શિસ્તવશ વ્યવસ્થાપકો બને છે. બેત્રણ વર્ષે થોડા રૂપિયા બચાવી એ પરણે છે, અને પોલીસ લાઈનની જે ઓરડી પૂર્વે વાંઢાઓને અખાડો બની રહી હોય છે તેની પરશાળની ખપાટ-જાળી પર એકાએક એક દિવસ ગુણપાટના ચક બંધાયેલા માલૂમ પડે છે. અંદરથી ફક્ત બંગડીઓના રણઝણાટ, મસાલો વાટવાના ઉપરવટણાના લસરાટ અને રોટલાના ટપાકા સંભળાતા થાય છે. પાણીની હેલને કાખમાં ઘાલીને ઘેરદાર ચણિયો લપેટેલ ઓઢણીવાળી એ નવી વહુ ઘૂંઘટ તાણીને બહાર નીકળે છે. અને એ બાર રૂપિયાના પગારદારની નવી પરણેતર, જ્યારે પોતાને ‘એ બા! શીરામણ આલજો!' એવા તાબેદાર-બોલ સંબોધતો લાઈન વાળનાર બુઢ્ઢો ભંગી આંગણે ઊભો જુએ છે. ત્યારે પોતે પણ હાકેમીના આસન પર બેઠી છે એવો ગર્વ અનુભવે છે, ‘એલા કાલ્ય વે'લો મેંદી લાવજે મેંદી,' એવી એ ઝાંપડાને જ્યારે આજ્ઞા આપતી હોય છે, ત્યારે આ બાઈને આંગણે હોળી, ગોકળ આઠમ કે દશેરાનું પર્વ આવી ઊભું છે, એમ તમારે નકકી સમજી લેવું.

પોતાનો પીંજારો પોલીસ-ધણી મોહરમના ધાસુરાના દિનોમાં હુલ્ય લેતો હોય છે અને પોતે તાબૂતની પછવાડે ગાતી ગાતી છબીલી છટાથી હુસેન ઈમામને ફુટતી હોય છે. કુટાઈ કુટાઈ લાલ ટશરો કાઢતી એની છાતી પર લીલાં છુંદણાં વિશેષ રૂપાળાં લાગે છે. ગુણપાટના પરદાવાળી ખપાટ –જાળી પાછળ લપાઈને બેઠેલી એ કદી કદી જ્યારે બહાર ધસી આવી પાડોશણ સપારણની સાથે લાંબા હાથ કરી કરી કજિયાની ધડાપીટ મચાવે છે ત્યારે મામલો વિફરી જાય છે, ને કોઈ કોઈ વાર ધણી ગાંડો બની સરકારી બંદૂકમાં કારતૂસ ચડાવે છે, ગોળીબાર ચલાવે છે, હરીફને ઠાર મારી પોતે પણ ગોળી ખાઈ પડે છે.

કોઈ કોઈ વાર એ ગુણપાટના પરદા પાછળથી વિચિત્ર માનવ-સ્વરો સંભળાય છે, કોઈકને શંકા પડે છે, ફાંકામાંથી અંદર દૃષ્ટિ કરે છે, ‘દોડો, દોડો' એવું બુમરાણ પડે છે, જાળીની ખપાટો તોડવામાં આવે છે, અંદર લટકે છે– ગળાફાંસો ખાતી એકાદ સિપારણ. નવાનકોર ઉત્સવ-લૂગડાં પહેરી કરીને છાપરે બાંધેલ ગાળીઆમાં એણે ગળું પરોવ્યું હોય છે!

પણ તમારા કુતૂહલને નિરર્થક ઉશ્કેરી રહ્યો છું, આ પોલીસબેડાની દુનિયા અનોખી છે. તમારી સામે તાળાબંધ છે. તમે એમાં ભ્રમણ કરી શકશો નહિ. એ માટે તો તમારે એ દુનિયામાં જ જન્મ ધરવો જોઈએ, એકાદ નાનામોટા અમલદારને ઘેર બાળક બનવું જોઈએ, ઊંઝરવું જોઈએ અને તમારી ઉમ્મર પણ ફક્ત એટલી જ હોવી જોઈએ કે તમે આ સિપાહી-કોટડીઓનો સંસાર જુઓ છો છતાં સમજી કાંઈ જ નથી શકતા એવી એક ભ્રમણા ત્યાં ચાલુ રહે. ભ્રમણા જ હોય છે તે બધી, કારણ કે ગળાફાંસો જોયો ત્યારે હું માંડ સાત વર્ષનો હોઈશ. શિશુકાળની સ્મરણ-છાપ કેટલી ઘેરી હોય છે, અને તે છતાં આવાં લાખો શૈશવની માવજત કરનારા માવતરો માસ્તરો, વાલીઓ ને પાલકો કેટલાં ગાફિલ હોય છે!

એવા પોલીસ–બેડામાંથી બુજરગોને ગોતીને બહારવટિયાના કિસ્સા પકડવા જૂનાગઢ ગયો. શ્રી છેલભાઈ આ અગાઉ જ્યાંનું ઉપરીપદ કરી આવેલા તે જામનગરના બહારવટિયા રાયદેની હકીક્ત મેળવવી હતી. જાણકાર સિપાઈઓ પાસેથી જૂજ જાજ વૃત્તાંત મળ્યું ખરું, પાણ વનસ્પતિજગતની પેઠે સંશોધનસૃષ્ટિમાં એ એકાદ વસ્તુનો પરિપાક-કાળ આવતાં કેટલી બધી વેળા લાગે છે? રાયદેની સર્વાંગ-સંપૂર્ણ હકીકત આજે જતી સત્તર વર્ષે એક તુંબેલ ચારણ પાસેથી હાથ લાગી. એક બહારવટિયા કે ડાકુની કથા લેખે વીરોચિત અંશોની એમાં ન્યૂનતા છતાં એ વૃત્તાંતમાંથી કાઠિયાવાડના એક અણદીઠ અપરિચિત સમાજ-સંસારનું ચિત્ર પ્રાપ્ત થયું. એ પ્રદેશ જામનગરને બારાડી મુલક: એ કોમ તુંબેલ શાખાના ચારણોની : અને એ ભાષા જાડેજી. મતલબ કે વિવિધ પ્રકારની નવીનતા.