છોળ/અનગળ


અનગળ


સકળ ભરી બ્રહ્માંડ અનૂઠાં વાટે-ઘાટે
                વેર્યાં છુટ્ટે હાથ
અહો કંઈ અનગળ અનગળ
વા’લે મારે વેર્યાં અચરજ અનગળ!

મતિ ચડે ચકરાવે દેખી ઉર ઉમળકે ઊભરે પળપળ
                વા’લે મારે વેર્યાં અચરજ અનગળ!

વાયુ તણે પરપોટે પૂર્યાં ધરા, સરિત, ગિરિમાળ
ફરતો વીંટ્યો સાત સમંદર કેરો નીલ જુવાળ!
                અહો કંઈ અનગળ અનગળ
                વા’લે મારે વેર્યાં અચરજ અનગળ!

શ્યામ સઘન અંધારું બાહર, ભીતર ભૂરો વ્યાપ
કહીં ઊભરતાં તેજ-છાંય, કહીં ઝલમલ ઇન્દર ચાપ!
                અહો કંઈ અનગળ અનગળ
                વા’લે મારે વેર્યાં અચરજ અનગળ!

કણમાં ભરિયાં કોશ, વીજમાં વનરાવન ઘેઘૂર
પ્રગટાવ્યો વડવાનળ જળમાં, શ્વાસ મહીં તે સૂર!
                અહો કંઈ અનગળ અનગળ
                વા’લે મારે વેર્યાં અચરજ અનગળ!

ઘડીક ભાસે ચિરપરિચિત, ઘડીક અકળ અજાણ
ઈજન દિયે હરદમ ખેલાનાં, પુલકિત પુલકિત પ્રાણ
                અહો કંઈ અનગળ અનગળ
                વા’લે મારે વેર્યાં અચરજ અનગળ!

૧૯૯૫