છોળ/અહીં


અહીં


                આપણે તો સાંઈ! ઊભાં અહીં,
આજ લગી જીવને જોઈતું બધુંય લ્યો
                પડ્યું અરે મહીંનું મહીં!
આપણે તો સાંઈ! ઊભાં અહીં…

મૈંડાંના લોઢ મીઠા ભીતર હિલોળે હવે
                આપણું ના ઓર કોર જોણું,
ઊઠતાં ને બેસતાં ફરતું રે’ એકધારું
                ઘટમાંહી ઘમ્મર વલોણું,
એટલાં તો ઘાટાં નવનીત પરે ઊભરે
                જેટલાં વલોવીએ દહીં!
આપણે તો સાંઈ! ઊભાં અહીં…

ઘટમાંહી ગોકુળ ને ઘટમાંહી મથુરા
                ઘટમાંહી કાનજીનાં કે’ણ,
વ્હાલભરી વાંસળીને વેણ રાસ રમીએ
                શી અંજવાળી અંજવાળી રેણ!
રોમ રોમ હાંર્યે નર્યો આનંદ-અંઘોળ
                મણા એકેય વાતની નહીં!
આપણે તો સાંઈ! ઊભાં અહીં…

૧૯૮૭