છોળ/ઓળખ-૨


ઓળખ


રે ઘણું ઘૂમી ઘૂમી મથુરાપુરમાં
હાલ્યો મારો રાહડો ભમવા ભુલાયા ગોકુળમાં!

થાયે ના જાણ કે કાયા ક્‌હોવાય
એવો ઓળખ્યો ભરમનો ભેજ
જેમાં તપી તપીને ત્રાંબા શી થાય
એવાં ક્યાં છે રે તડકાનાં તેજ?
મ્હેંકભર્યા મોકળા પવંનની શી ઝંખના
જાગી છે રોમ-રોમ મૂળમાં!
હાલ્યો મારી રાહડો ભમવા ભુલાયા ગોકુળમાં…

અળગો કીધો આભૂષણનો ઠઠારો
ને અળગા આ વાઘા જરિયાન
પાનીઢંક ધોતિયું ને કંધે કાળો કામળો
પાછાં કીધાં છે પરિધાન!
મોતીયુંની માળ મૂકી મોયું રે મંન રૂડી
ખાખરાની રંગ રંગ ઝૂલમાં!
હાલ્યો મારો રાહડો ભમવા ભુલાયા ગોકુળમાં…

લાધી ના મોકળાશ ક્યારે યે કંઠને
આ ઊંચેરી ભીંત્યુંની આડ
ચાંદરણે લીપેલી સાંભરી છે સીમ
ને પડછંદા પાડતા પહાડ
આરસને રંગમંચ નહીં રે હો આજ ફરી
રમવું છે ધરતીની ધૂળમાં!
હાલ્યો મારો રાહડો ભમવા ભુલાયા ગોકુળમાં…

૧૯૬૦