છોળ/કલશોર


કલશોર


                સાવ સૂના ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર
આજ ફરી કંઈ કેટલા દિ’એ આવર્યાં રે’તાં આભથી ઓલ્યા
                                તડકે કાઢી કોર!

                પાંદને જાણે પાંખ ફૂટી હોય
                                એટલાં તે સઈ સૂડાં,
                અણકથી ઉર-એષણાં સમાં
                                કરતાં ઊડંઊડા!
ટૌ’કાની ભરમારમાં ભળ્યા અડખે પડખે અમરાઈથી
                મ્હેંકતા ખાંતે મોર!
સાવ સૂના ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર…

                નવજાયાં ને આમ તો માને
                                આંચળ વળગ્યાં રે’તાં,
                હરખે ચોગમ હડિયું કાઢે
                                પાડરાં ભાંભર દેતાં,
લાખ જોને આ દોડતી વાંહે તોય ક્યાં વા’લાં ચાનક ચડ્યાં
                ઝાલવા દિયે દોર?!
સાવ સૂના ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર…

                મારોય હાયે જીવ ના ઝાલ્યો
                                જાય એવું આજ ભાવે,
                અમથું અમથું નામ નવું એક
                                ઓઠપે રમતું આવે,
(ને) ઘૂઘર ટાંક્યા કાપડા હેઠે સળવળ થાતાં વરતી રહું
                વીંછું રાતા ચોળ!
સાવ સૂના ચરિયાણમાં મચ્યો કેવડો તે કલશોર…

૧૯૭૮