છોળ/કોણ


કોણ


કળે નહીં પ્રાત કે અંધારી રેણ
કળે નહીં ખૂલાં કે બંધ બેઉ નેણ?!
દિન-રાત બીચ પડ્યો પાવન તે સમો
અણધાર્યું કોણ ત્યહીં વદે ઓમ નમો?!

વાણ મહીં ગાયત્રી, વાણ મહીં વેદ,
ઊઘડતાં આવે કંઈ અણપ્રીછ્યા ભેદ
ભેદ મહીં ગુંજરતા અનહદના સૂર
રોમ રોમ આનંદે નાચે ચકચૂર

થેઈ થનક થેઈ થનક થેઈ થેઈ થા!
થનક થનક થેઈ થેઈ થનક થેઈ થા!

કળે નહીં ભોંય કે કળે નહીં ભીંત
કળે નહીં ખંભ કે કળે નહીં ઈંટ!
કળે નહીં ક્યહીં અરે ગાયબ મમ પિંડ
કળે એક સાનભાન આવરતી મીંડ!
મીંડ મહીં ગુંજરતા અનહદના સૂર
રોમ રોમ આનંદે નાચે ચકચૂર
થનક થનક થેઈ થેઈ થનક થેઈ થા!
થેઈ થનક થેઈ થનક થેઈ થેઈ થા!

૧૯૯૫