છોળ/ઘેન


ઘેન


                રે મુજ નેણ મીંચાય
તિમિરને નહીં તેજને કોઈ તરલ વ્હેણ ખીંચાય!

શીળી સરિત રેતમાં સૂતો મોકળાં મેલી ગાત
પૂરના કોલાહલની ના’વે હળવીયે જ્યહીં છાંટ
                એવો આ ગમતો વિજન ઘાટ.
                ભીની ભીની લેરખડી વાય તાજી
                મબલખ ફૂલે કોળતી શી વનરાજી
આભ-ધરાને આવરી લેતાં ગંધનાં ઘેન સિંચાય!
                રે મુજ નેણ મીંચાય…

ઘડી પ્હેલાંનું આકુળવ્યાકુળ અવ તે મુદિત મંન
પરાગની ઓઢી પામરી નીકળ્યું ભમવા સંગ પવંન,
                ઝૂકેલું કાંઠનું કદંબ વંન.
                આવન જાવન કોઈની તે નવ ભાસે
                ઊભરતી તોય કુંજ શી હેત હુલાસે.
                કાન શું નીલમ નભ ઝૂક્યું
જ્યહીં ડાળને ઝૂલે રાધિકા સમી રેણ રૂડી હીંચાય!
                રે મુજ નેણ મીંચાય…

૧૯૬૯