છોળ/જલન

જલન

                કે’તાં ન્હોતાં કે નહીં સ્હેજ
                અમથી સહેવાશે આ તેજ
કે અમને જાળે હાં રે જાળે ચંદા ચઈતરની હો લાલ!

                જુઓ, ભરી ઝળેળે કાચ
                ઊઠે રગ રગ રાતી લ્હાય
કે અમને જાળે હાં રે જાળ ચંદા ચઈતરની હો લાલ!

                ગૂંથ્યો વિરણ-વાળો મ્હાંય
                એવા ચકની ઢાળો છાંય
કે અમને જાળે હાં રે જાળે ચંદા ચઈતરની હો લાલ!

                વેરી! વળી કઈ તે મેર
                શીળી, હવણે ઊઠી લ્હેર?!
કે અમને જાળે હાં રે જાળે ચંદા ચઈતરની હો લાલ!

                હેતે હળુ હિંડોળા-ખાટ,
                ખોળે લઈને ઝૂલવો સાથ
કે અમને જાળે હાં રે જાળે ચંદા ચઈતરની હો લાલ!

                ઉરને ગમતી કરતાં ગોઠ
                બીના ચાંપો અહીં લ્યો ઓઠ!
કે અમને જાળે હાં રે જાળે ચંદા ચઈતરની હો લાલ!

૧૯૮૦