છોળ/જીવતાં જળ


જીવતાં જળ


                આ જીવતાં જાગતાં જળ
થોભ નહીં પળ ભરનો જેની એકધારી હલચલ!

                નરદમ ખારોપાટ મહીં તોય
                                પળતાં કોટિ જીવ,
                કૂડું કશુંયે સંઘરે ના જે
                                સ્વયં સુભગ શિવ!
સતત શોધન રત રહે શાં લોઢ એનાં અનગળ!
                આ જીવતાં જાગતાં જળ…

                આમ તો વ્હાલે વળગી મીઠી
                                થપકી દેતાં ખેલે,
                કોક દિ’ જો પણ વકરી અચિંત
                                રોષમાં માઝા મેલે
વજ્જરનાયે કરતું ચૂરા કારમું દાખે બળ!
                આ જીવતાં જાગતાં જળ…

                કૌતુક એ કે કાયમ જેનો
                                શીતળ ભીનો પંડ,
                એ જ તે અહો અકળ કિયા
                                કારણે આમ અખંડ
જાળવે ઉગમકાળથી ભીતર ધીખતો વડવાનળ?!
                આ જીવતાં જાગતાં જળ…

૧૯૯૦