છોળ/ઝીલ

ઝીલ

મેલ્ય ઘડીકને કામ, આમ કાં નાહક અંગ નિતારે?!
કાંઈ ભર્યું ભર્યું જો ભાદરવનું ઝીલ ઝગારા મારે!

                શેં સ્હેવાયે કહે આવડા ધોમ ધખંત અકારા
                છલછલ થાતાં જળને ઝંખે રૂંવેરૂંવાં આ મારાં,
ઝાઝું ના રે’વાય થાય અવ લઉં ઝબાળો ક્યારે?!
કાંઈ ભર્યું ભર્યું જો ભાદરવાનું ઝીલ ઝગારા મારે!…

                આજ ભલે થાતો મનસૂબો હિય કર્યો કે’દુનો
                જોઉં કેવડો ગહન પણેનો ઘુમ્મરિયાળો ઘૂનો!
બૂડી જઉં તો કાઢીશ ને ’લ્યા બાંય ઝાલીને બારે?!
કાંઈ ભર્યું ભર્યું જો ભાદરવાનું ઝીલ ઝગારા મારે!…

                કાળા ભમ્મર કેશ સમારી આ અંબોડો લીધો
                ને તસતસતો હીર ભરેલો કંચવો અળગો કીધો,
વાદળ શી સરતી હાલી લે ચૂંદડ સમીરણ હારે!
કાંઈ ભર્યું ભર્યું જો ભાદરવાનું ઝીલ ઝગારા મારે!…

                બાઘા સરખો અરે હજી શું તાકે મારી હામે
                કાંઠે બેઠાં રિયે કદી ઈ કમળ ફૂલ નો પામે!
આવ્ય, ઊભી છું સાવ્ય અડોઅડ સીધી ભેખડ ધારે!
કાંઈ ભર્યું ભર્યું જો ભાદરવાનું ઝીલ ઝગારા મારે!…

૧૯૬૨