છોળ/ઝીલણાં


ઝીલણાં


ભાદરવા માસનું ભૂરું અંકાશ, માંહી
                વાદળાં તરે છે સાવ ધોળાં,
ને સ્હેજ સ્હેજ ભીની હજી ભોંય પરે ઠેર ઠેર
                ઢળે નીલ-જાંબુડિયા ઓળા!

જામ્યા બપોરનો થીર ઊભો સમો
                ઝરે ઝળાંઝળાં તેજલ અંબાર,
આઘે કે આસપાસ ક્યાંય નહીં હળવી કો’
                હલચલનો આવે અણસાર,
સીમ સીમ આવરતો છતો કરે શૂનકાર
                તાર પરે ઘૂઘવતાં હોલાં!
ભાદરવા માસનું ભૂરું અંકાશ, માંહી
                વાદળાં તરે છે સાવ ધોળાં…

નજરુંને ઠારે એવાં લીલાં ચરિયાણ બીચ
                રાતી કંઈ વંકાતી વાટ,
ચાટલાં શા ઝીલે તળાવ ચહુ ઓરથી
                મોસમનો અદકેરો ઠાઠ!
રહી રહી ઝીલતાં અધખૂલાં નેણ લિયે
                મધમીઠાં ઘેનમાં ઝબોળાં!

ભાદરવા માસનું ભૂરું અંકાશ, માંહી
                વાદળાં તરે છે સાવ ધોળાં,
ને સ્હેજ સ્હેજ ભીની હજી ભોંય પરે ઠેર ઠેર
                ઢળે નીલ-જાંબુડિયા ઓળા!

૧૯૯૭