છોળ/દંશ

દંશ

                વગડાની નવ વાટ્યમાં
                આ તો ભરિયા ભરિયા હાટ્યમાં કશુંક
ઓય મા! મુંને ઝીણું ઝીણું જરાક જરાક ડસ્યું!

                માંડ અરે કંઈ વરતું
                ત્યાં તો નજરું કાતર કરતું કરતું
ઓય મા! ગરી ભીડ્યમાં આઘું સળાક સળાક ખસ્યું!
ભરિયા ભરિયા હાટ્યમાં મુંને શુંય તે હાયે ડસ્યું?!

પરથમ ઘડીક હળવી હળવી ચચરાટી બસ થઈ
પણ પછે બળબળતા ઓલ્યા જેઠની જલન લઈ
                વખ્ખ લીલું કુંજાર તે વહ્યું
ઓય મા! મારા લોહ્યમાં આવે ધડાક ધડાક ધસ્યું!
ભરિયા ભરિયા હાટ્યમાં મુંને શુંય તે હાયે ડસ્યું?!

                હાંફે હૈયું ઉપર-તળે, કાચકી બાઝે ગળે,
                એક વાંહે એક ફેર તે ભીતર ભમ્મરિયાળા ચડે!
ઓય મા! તૂટે આંચકી તાણે તડાક તડાક નસ્યું!
ભરિયા ભરિયા હાટ્યમાં મુંને શુંય તે હાયે ડસ્યું?!

                કારણ શોધો, મારણ શોધો
                પીડ્યનું ઝટ્ટ નિવારણ શોધો!
ઓય મા! ક્યાંક ના ઝૂડ કો’ કોરા કાળજે કડાક વસ્યું!
ભરિયા ભરિયા હાટ્યમાં મુંને શુંય તે હાયે ડસ્યું?!

૧૯૮૮