છોળ/પરવાર


પરવાર


એક વાંહે એક પડ્યાં નિતનાં તે કાજનો
                ઘડી મોર ઉતારી ભાર,
પડી પડી હિંડોળે નમતી બપોરની
                મનગમતી માણું પરવાર!

કલબલતાં ક્યારનાં જે નેજવાંની હેઠ્ય હવે
                મૂંગાં તે કાબર ને કીર,
મૂંગાં સહુ શ્વાન, કશી હરફર ના આસપાસ
                શેરીમાં જાણે બધું થીર.
હલ્યાં કરે કેવળ આ વાયરાની આવ-જાએ
                ઓસરીનાં અધખૂલાં દ્વાર,
ને હલ્યા કરે ઓરડાનો ઊજળો અંધાર
                ને પડછાયા ફળિયાના બ્હાર!
પડી પડી હિંડોળે નમતી બપોરની
                મનગમતી માણું પરવાર…

વરતે હળવાશ ફરી સુંવાળી સેજમાં
                મોકળાશે લંબાયાં ગાત.
ઓઢી કો’ ઝીણેરી યાદ તણી પામરી
                હૈયુંયે ભેળું રળિયાત!
હલ્યા કરે કેવળ હિંડોળ સંગ આંખ્યુંમાં
                છલછલતાં ઘેનનો પસાર.
ને હલ્યા કરે ઓવારે નાંગરેલી નાવડી શા
                નમણાં કંઈ સોણલાંની હાર!
પડી પડી હિંડોળે નમતી બપોરની
                મનગમતી માણું પરવાર…

૧૯૯૦