છોળ/પળનો પારાવાર


પળનો પારાવાર



નિત ઊભેલાં કાજનો ઘડીક અળગો કરી ભાર
મગન માણું પાંગર્યે જતી પળનો પારાવાર!

                સતત રહે સરતી ચોગમ
                                ધારતી નવલાં રૂપ,
                ઓઢતી અહીં છાંય ત્યહીં શા
                                ઝળક ઝળક ધૂપ!
ઊતરે અચિંત ચીલ વળાંકે ઝોલતાં બીડ મોઝાર!
મગન માણું પાંગર્યે જતી પળનો પારાવાર…

                લેરખી ભેળી લટકે આંકે
                                મ્હેકની ભીની રેખ!
                ડુંગર-ખીણે પડઘા દેતી
                                મોરની થઈ ગ્હેક,
લળૂંબ ઝળૂંબ આભથી ઝરે થઈને અગણ ધાર!
મગન માણું પાંગર્યે જતી પળનો પારાવાર…

                ઉગમ કાળથી આમ જુઓ તો
                                એ જ ધરા-અવકાશ
                તોય તે તેજલ વીજ સરીખા
                                તરલ એને પાસ,
ચિરપરિચિત, અકળ સકળ બદલે શા અણસાર!
મગન માણું પાંગર્યે જતી પળનો પારાવાર…

૧૯૯૫