છોળ/પૂછા


પૂછા


                ગોપિયું હાર્યે ને બીચ બજાર્યે,
                                મોરલી મથુરાપુરે,
આવતાં જતાં લોકને પૂછે ભીનાં, ગદ્ગદ સૂરે…

                કોઈ બતાવો હોય જો દીઠો
                                કુંવર કાન અમારો,
                હાય ઇંના વિણ ઘેન અડે નંઈ
                                દાણો પાણી કે ચારો,
ને નિતનાં નટખટ વાછરાં-પાડર કોઢ્યમાં બેઠાં ઝૂરે!

                કદંબ કુંજે ઓસર્યાં કૂજન
                                મૂંગા કુવેલ-કીર,
                ઘૂમરાળા કાંઈ ઓસર્યાં ઓલ્યાં
                                જમનાજીનાં નીર,
ને ઓસરી મીઠી મ્હેક રૂડા મધુવનને ફૂલે ફૂલે!

                ખીખીયારે કંઈ બેવડ વળી
                                લોક તો સંધા હસે,
                ને કોક ખંધા કે’ ‘જાવ! તમારો
                                વા’લો તો વૈકુંઠ વસે!’
                તો ગોપિયું હાર્યે ને બીચ બજાર્યે,
                                મોરલી મથુરાપુરે,
આવતાં જતાં લોકને ફરી વીનવે વ્યાકુળ સૂરે,
‘કોઈ બતાવો કેટલું તે રાજ! વ્રજથી વૈકુંઠ દૂરે?!’
‘અરે કોઈ તો દાખો કેટલું તે રાજ! વ્રજથી વૈકુંઠ દૂરે?!’

૧૯૮૭