છોળ/ફેર


ફેર


નહીં રે જાઉં રે મહી વેચવાને મથુરા
                કે મથુરાનો મારગ વંકાય ઘણો!
                                હાં રે મુંને ફેર ચડે!

મારગડે મારગડે કેવડાનાં વંન
                કે વસમો તે ધૂપ છાય ગંધ તણો!
                                હાં રે મુંને ફેર ચડે!

કેવડિયા વંનમાં ભમે એક ભોરિંગડો
                કે ઘનઘેરા દિયે કાંઈ ઘુઘવાટા!
                                હાં રે મુંને ફેર ચડે!

પીળાં પટકૂળ ને કંધે કાળો કામળો
                કે પાઘડલી પચી પચી લે આંટા!
                                હાં રે મુંને ફેર ચડે!

સરખી તે સૈયરની આડો નહીં ઊતરે
                કે એકલડી એક મુંને અટકાવે!
                                હાં રે મુંને ફેર ચડે!

મૈડાં લૂંટે ને વળી ઉપરથી અંગઅંગ
                એવા તે ડંખ ભૂંડો ચટકાવે
                                હાં રે મુંને ફેર ચડે!

૧૯૫૫