છોળ/ભાદરવી બપોર


ભાદરવી બપોર


હળુ હળુ હિંચોળે લીલા ચરિયાણને
                વાયરો તે લેરખીને દોર
ઓઢીને ઝોક ઝોક અંજવાળાં પોઢી છે
                ભૂરી ભાદરવી બપોર!

ચરી ચરી થાકેલાં ગાડરાંય લંબાયાં ઘડી લઈ આમલીની ઓથ,
પાંખી તે ડાળ પરે ઘૂઘવતું ક્યારનું મૂંગું થઈ બેઠું કપોત,
                ગણગણતી ફરે એક ભમરી કહીં આસપાસ
                                ઘાસ મહીં ચારે તે કોર!
                હળુ હળુ હિંચોળે લીલા ચરિયાણને
                                વાયરો તે લેરખીને દોર…

દૂર લગી દેખાતાં સીધી તે હારમાં ઊભેલાં વીજળીને ખંભ,
માંડું જો કાન તો સરતા સંચારનો વરતાયે વેગ વણથંભ,
                સીમ સીમ પથરાયો સુણું બ્હાર સોપો
                                ને તાર મહીં ગુંજરતો શોર!
                હળુ હળુ હિંચોળે લીલા ચરિયાણને
                                વાયરો તે લેરખીને દોર…

અચરજ એવું કે આંહીં બેઠે બેઠેય મુંને અનાયાસ વિસ્તરતી ભાળું!
હું જ જાણે દૂર દૂર પથરાઈ સીમ, લીલું ઘાસ અને છલછલતું નાળું,
                હું જ પરે ચકરાવે સરતી ઓ ચીલ,
                                ને ઝળહળતાં તેજની ઝકોર!
                હળુ હળુ હિંચોળે લીલા ચરિયાણને
                                વાયરો તે લેરખીને દોર…

૧૯૯૦