છોળ/ભાવ


ભાવ


                એલા કે’ને રીંગણાંનો શો ભાવ?!
ચકળવકળ આમ શું તાકે બાઘલો છે ને સાવ!
                એલા કે’ને રીંગણાંનો શો ભાવ?!

                ઊંચાંય તે ના થાય એવી ઓહો
                                નીંદ ભરાણી નેણ,
                કીધું તોયે ક્યાં મટકું માર્યું
                                રખડ્યો આખી રેણ!
અવળો હવે નીહરે હંધો મેળે લીધો લ્હાવ!
                એલા કે’ને રીંગણાંનો શો ભાવ?!

                ક્યમ કહું હાય રહી રહીને
                                આવતા મુંને દાંત,
                ન્યાળ જરી કઈ અવળચંડા
                                ધોરીએ લીધી વાટ!
વંન આવ્યું આ તો, એક કોરાણે રૈ ગૈ ગામની વાવ!
                એલા કે’ ને રીંગણાંનો શો ભાવ?!…

                રઘવાયો શું થાય લે એમાં
                                દઈ દે મુંને રાશ,
                એક બીજા શું ભળીએ એવો
                                ઘરમાં ક્યાં અવકાશ?
પોઢ તું મારે ખોળલે ને હું ગાડલું હાંકું આવ!
                એલા કે’ને રીંગણાંનો શો ભાવ?!

૧૯૬૦