છોળ/માયા


માયા


સઈ! માનો તો ભલે નહીં માનો તો ભલે
                હવે હુંયે ના ઓળખું આ કાયા,
નિજનું એકેય નથી કરતૂક રે મ્હોરી આ તો
                માણારાજ માધોજીની માયા!

કોઈ દિ’ નહીં ને હાય કોણ જાણે કેમ કાલ્ય
                વાલોજીએ વાટ્ય મારી આંતરી,
સંકોચે થરથરતાં સંકોડી અંગ હું તો
                ઢળ્યે નેણ ભોંય રહી કાતરી!
હાંર્યે કહીં કાળી કુબજા ને કહીં એક ભૂપ
                જિંનાં રૂપ ત્રણે લોકને ભાયાં?!
નિજનું એકેય નથી કરતૂક રે મ્હોરી આ તો…

ટચલી તે આંગળિયે કંઠમાં ગડાઈ ગૈ’
                હડપચલી સ્હેજ ઊંચી ઝાલી,
મરકલડાં વેરતાં અમી ભર્યેં ઓઠ મુંને
                વ્હાલપથી કીધું ‘રૂપાળી!’
હાંર્યે નેણ મહીં નેણ પ્રોઈ રગરગ ઈ બોલ્યનાં
                એવાં અમલ પછેં પાયાં!
નિજનું એકેય નથી કરતૂક રે મ્હોરી આ તો…

જીવના સોગંદ નહીં સાંભરતું ઓર કાંઈ
                હું તો બસ આટલડું જાણું,
આયખામાં આજ લગી પરમાણ્યા નથ્ય એવાં
                હરખહિલોળ હિયે માણું!
હાંર્યે પૂનમનો ચંદ મારી ભીતર ગ્યો ભરી એનાં
                રોમ રોમ અંજવાળાં છાયાં!
નિજનું એકેય નથી કરતૂક રે મ્હોરી આ તો
                માણારાજ માધોજીની માયા!…

૧૯૭૭