છોળ/રંગતાળી


રંગતાળી


                થાળી શો ચાંદલો ને રાતલડી સોહ્ય ઉજમાળી
હાં હાં રંગતાળી! હાલ્ય લઈં તાળી, રંગતાળી! રંગતાળી!
                કે ગરબો ઘૂમે કોજાગરી પૂનેમનો…

                સોળે તે સૈયરુંમાં રૈ તું કુવેલ-કંઠવાળી
હાં હાં રંગતાળી! હાલ્ય લઈં તાળી, રંગતાળી! રંગતાળી!
                કે ગરબો ઘૂમે કોજાગરી પૂનેમનો…

આગળને ઓટલે સાસુ ને સસરાજી હીંચે હજી હિંડોળાખાટ,
લાજના માર્યા મુંથી ઊંચું જોવાશે કેમ તાળી ઝિલાશે કઈ ભાત?
                ને શું રમવું ઘૂઘટડો ઢાળી?! o હાં હાં રંગતાળી…

                નાહકનાં મેલ અલી બ્હાનાં આ વેળ વહી ચાલી
હાં હાં રંગતાળી! હાલ્ય લઈ તાળી, રંગતાળી! રંગતાળી!
                કે ગરબો ઘૂમે કોજાગરી પૂનેમનો…

ઉપરની મેડીએ જેઠ ને જેઠાણીજી ખેલતાં રે ખાંતે ચોપાટ,
મોકળે ગળે તે કેમ ઉપાડું ગાન જહીં કાળજડે ઊભરે ઉચાટ.
                ને શું ગાવું ઝીણેરો સાદ કાઢી?! o હાં હાં રંગતાળી…

                ઝાંખે ઉઘાડી કોક ટોચના ઝરૂખડાની જાળી
હાં હાં રંગતાળી! હાલ્ય લઈં તાળી રંગતાળી! રંગતાળી!
                કે ગરબો ઘૂમે કોજાગરી પૂનેમનો…

આવી આવી રે સઈ! આવી ઉતાવળી ના ઝાઝી હવે જોવરાવું વાટ
પંચમને સૂર વ્હેતો મેલું આ કંઠ કે ગાજી ઊઠે આખીયે હાટ
                રે હું તો ઘૂમું થૈ રાધકા રૂપાળી! o હાં હાં રંગતાળી…

૧૯૬૦