છોળ/સંધિ


સંધિ


                ઘડી બે ઘડીની તે લઈને નવરાશ
                આવો મોરલી તમીં જો કોર્ય આમની,
                એ જી માંડીએ રે ગોઠ ઘણી અમથી અમથી
                ને પછેં થોડેરી સહિયારા કામની!

બળ્યું રે ગુમાન મહીં બાખડ્યાં શા આપણે સાચે ભૂલીને સાનભાન,
હાલી હાલી તે સહી આપણે ઉજાડ ને લોકડિયે માણી જી લ્હાણ!

                એ જી છાંડીએ લ્યો ઝીણી ઝીણી કૂથલી
                કે થાય બંધ બોલતી તે આખાયે ગામની!
                ને નેણ મહીં નેણ પ્રોઈ માંડીએ રે વાત
                ઓલ્યા જીવથીયે અદકેરા નામની!

                ઘડી બે ઘડીની તે લઈને નવરાશ
                આવો મોરલી તમીં જો કોર્ય આમની!…

ક્યાં લગ લંબાવશું મારા-તારાની આ છેવટ વિનાની ખોટી ખેંચ?
કરીએ લ્યો ભવભવની ભાંગે રે ભૂખ એવા ભાગની તે આપસમાં વ્હેંચ!

                એ જી માનો તો મોકલીએ કીર ને કુવેલ સંગ
                ઠેર ઠેર વ્રજમાં વધામણી,
                કે ગોપિયું ને મોરલી વચેની હાંર્યે કાયમની
                મીટી છે વડચડ અળખામણી!

                ઘડી બે ઘડીની તે લઈને નવરાશ
                આવો મોરલી તમીં જો કોર્ય આમની!…

૧૯૮૭